અમરેલીનાં ભૂતપૂર્વ નાયબ મામલતદારનો અપ્રમાણસર મિલ્ક્તના ગુનામાં જામીન મંજુર

અમરેલી, અમરેલી એસીબી પોલીસ સ્ટેશન, અમરેલીના પોલીસ અધિકારી દ્વારા સને-૨૦૧૫માં રોજ અમરેલી ખાતે ફરજના નાયબ મામલતદાર લાંચ-રૂશ્ર્વત ધારા હેઠળ રૂા. ૩૪,૯૬,૯૩૬ જેટલી રકમની અપ્રમાણસર મિલ્ક્ત ધરાવતા હોવા અંગે લાંચ-રૂશ્ર્વત ધારા કલમ-૧૩(૧)(ઇ) અને ૧૩(ર) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરેલ હતી જેથી સદર ગુનાના કામે આરોપી અતુલકુમાર ખાલપડાનો અવારનવાર પોલીસ સ્ટેશન બોલાવી અને તેમના નિવેદન લઇ તેમજ જરૂરી પુરાવાઓ એકત્રીત કરી છેલ્લા આશરે આઠેક વર્ષથી તેમની સામે દાખલ થયેલ ગુના અંગે તપાસ ચાલુ રાખેલ ત્યારબાદ આરોપીને પોલીસ તપાસનીશ અધિકારી દ્વારા ધરપકડ થવાની દહેશતથી આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારેલ હતી.

સદર રેગ્યુલર જામીન અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટના સરકારી વકીલએ આરોપીની જામીન અરજી રદ કરવા દલીલ કરેલ હતી જેમાં મુખ્યત્વે ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઇ સૌથી મહત્વની બાબત હતી અને આ સમયે આરોપી તરફે તેમના એડવોકેટએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આરોપીની ગુનામાં કોઇ જ પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી નથી આરોપી ગર્ભશ્રીમંત હોવા ઉપરાંત તેઓ પાસે આવકના અનેક હોવાથી તેઓ પાસે અનેક થાપણો અને સ્થાવર-જંગમ મિલ્ક્તો હોવાથી અપ્રમાણસર મિલ્ક્ત ધરાવતા હોવાનું માની ન શકાય, અલબત, મિલ્ક્તની ગણતરી દરમ્યાન અધિકારીઓેએ રૂા. ૫૧,૦૮,૫૩૨ જેટલી રકમની આવક યાને લીધેલ ન હતી તેમજ સદર બાબત યાને લઇ ફેરગણતરી કરવા અધિકારીને ભારપૂર્વક જણાવેલ હતું તેમજ તેઓ સીનીયર સીટીઝન છે અને તેઓને તક્સીરવાન ન ઠરે તે પહેલા જો જેલમાં રહેવાનો પ્રસંગ બને તો તેઓના મુળભુત અધિકારો પર તરાપ લાગે તેમ છે.

તદુપરાંત એડવોકેટ દ્વારા સુપ્રિમ કોર્ટ અલગ અલગ ચુકાદાઓ ટાંકી દલીલો કરવામાં આવેલ હતી. આમ સુનાવણીના અંતે નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એચ.ડી.સુથાર દ્વારા તમામ દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અતુલભાઇને આગોતરા જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ હતો.આ કામમાં ભુતપૂર્વ નાયબ મામતલદાર તરફે રાજકોટના એડવોકેટ રાજન કોટેચા, કૃણાલ કોટેચા, વારીસ જુણેજા, ડેનીસા પટેલ, નિમત ગોસ્વામી, મીત પાનસુરીયા, વિકકીકુમાર પરમાર અને સહાયક તરીકે વીરાંગી કથીરીયા રોકાયેલ હતા.