અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત:નેતા ધરણાં કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા, રાત્રે 3 પોલીસકર્મી સસ્પેન્ડ; પાયલ ગોટી મામલે કોંગ્રેસ આરપારના મૂડમાં

હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે (13 જાન્યુઆરી) સુરતમાં પરેશ ધાનાણીએ ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણાં કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે. પોલીસે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વગર મંજૂરીએ ધરણાં કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, મોડીરાત્રે જિલ્લા પોલીસવડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હીનાબેન મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.

કોંગ્રેસે આજે (13 જાન્યુઆરી) માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાંની જાહેરાત કરી હતી. સુરત પોલીસે ધરણાં માટે મંજૂરી આપી ન હતી, જેને લઇને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, અમે ગમે ત્યારે ધરણાં ઉપર આવીને બેસી જઈશું. જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી. 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફુલહાર કરીને ધરણાં કરવાના શરૂ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, અમરેલીમાં દીકરીને ભોગ બનવું પડ્યું છે, ત્યારે અમે તેના ન્યાય માટે લડત લડી રહ્યા છીએ. આઝાદી આંદોલનો થકી જ આવી છે, છતાં પણ પોલીસ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવા દેતી નથી. માનગઢ ચોક ખાતે અમે પરમિશન માંગી હતી, પરંતુ પોલીસે અમને પરમિશન આપી ન હતી. ખરેખર તો આ પ્રકારનાં ધરણાં અને આંદોલન માટે કોઈ પરમિશન લેવાની જોગવાઈ નથી. માનગઢ ચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અમે શાંતિથી ધરણાં કરવા માંગતા હતા. માનગઢ ચોક સામાજિક અને રાજકીય આંદોલનોનું સાક્ષી રહ્યું છે, ત્યારે અમે દીકરીને ન્યાય અપાવવા માટે અહીં ધરણાં કરવા માટે આવી રહ્યા હતા. અમને ધરણાં કરવાની પરમિશન નહીં મળે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરૂ કરી દઈશું.

આ સમગ્ર પ્રકરણની શરૂઆત પંદરેક દિવસ પહેલાં થઈ હતી, જ્યારે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી લેટર વાઇરલ થયો હતો. આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મામલો ગંભીર બનતા પોલીસે પાયલ ગોટી સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન, આરોપી પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. એસપીએ SIT ટીમની રચના કરી તપાસ શરૂ કરી હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો અને રાજકમલ ચોકમાં 48 કલાક સુધી ધરણાં યોજ્યાં હતાં અને શનિવારે(11 જાન્યુઆરી) અમરેલી બંધનું એલાન આપ્યું હતું.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આપેલા અમરેલી બંધના એલાનને વહેલી સવારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે વિસ્તારમાં ધાનાણીએ ધરણાં કર્યાં હતા એ વિસ્તારમાં મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી. જોકે બાદમાં દુકાનો ખૂલી ગઇ હતી. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલી શહેરમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નારીસુરક્ષાને સમર્થન આપ્યું તે બદલ આભાર. આ લડાઈ રક્ષકો સામે નથી પણ કાયદાના જાણકાર લોકો ઈરાદાપૂર્વક જે કાંઇ કરી રહ્યા છે એમની સામે છે. તંત્ર યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી નારીશક્તિ આંદોલન સમિતિ આંદોલન કરશે. હું મુખ્યમંત્રીને અપીલ કરું છું કે જલદીથી જવાબદારો સામે કડક પગલાં ભરો.

થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ મામલે હવે રાજકારણ ગરમાયું છે.

પાયલ ગોટીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સૂઈ ગઇ પછી આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઊઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું એમ કરી મને પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યાં હતાં. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારાં મમ્મી-પપ્પાને સાચવવા આવ્યાં હતાં અને મેં ગુનો કર્યો જ નથી. જેનીબેન મારાં મમ્મી-પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યાં હતાં અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને વિનંતી કે ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂનો જે વરઘોડો કાઢ્યો છે, પોલીસે મને માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી.