અમરેલી જિલ્લામાં હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વહેલી સવારે ૬ ઇંચ વરસાદ પડતા બગસરા શહેરમાં આવેલી ગલીઓમાં નદી વહેવા લાગી હતી. તરઘડીયા કૃષિ વિભાગના હવામાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી હતી. આગાહીની સાથે જ બગસરા, વડીયા, કુકાવાવ તેમજ અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે.
બગસરામાં વહેલી સવારે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. બગસરા પંથકમાં વહેલી સવારે બે થી અઢી કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડતા નદી, નાળા છલકાયા હતાં. બગસરા શહેરમાં આવેલા ગલીઓ અને રોડ રસ્તા ઉપર છ ઇંચ થી એક ફૂટ જેટલા પાણી ભરાયા છે.
બગસરા શહેરમાં આવેલી ગલીઓમાં નદી જેવો માહોલ સર્જાયો હતો. અમરેલી- બગસરા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. બગસરાની જીવાદોરી સમાન મૂજીયાસર ડેમમાં ચાર ફૂટ નવા નીરની આવક થઈ છે. હાલ મુંજીયાસર ડેમમાં ૯૪૦૦ ક્યુસેક પાણીની આવક થઈ છે.
અમરેલીના વડીયા તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વડીયા પંથકમાં ધોધમાર વરસાદ પડતા રોડ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં આવેલા પોસ્ટ ઓફિસ રોડ, પીજીવીસીએલ રોડ પાણીમાં ગરકાવ થયો છે. વડીયા શહેરમાં આવેલા સુરતપરા, કૃષ્ણપરા, સદગુરુ નગર વિસ્તારમાં પાણી ભરાયા હતાં. વડીયા પંથકમાં રાત્રિના સમયે ૪૫ મીનીટ વરસાદ પડ્યો હતો અને આજે વહેલી સવારે ફરી પાછો એક ઇંચ વરસાદ પડતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં.