અમરેલી,અમરેલી જિલ્લામાં પશુઓનો આતંક વધી રહ્યો છે. સિંહ અને દિપડાઓના માનવ પર હુમલા વધી રહ્યા છે. આજે અમરેલી જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે માસુમ બાળકો આદમખોર જંગલી પ્રાણીઓના શિકાર બનતા ચકચાર મચી છે.
અમરેલી જીલ્લામાં મોટા પ્રમાણમાં રાનીપશુઓનો વસવાટ છે, સિંહ અને દિપડાઓ મોટી સંખ્યામાં અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ફરે છે. આ રાનીપશુઓ પોતાનું પેટ ભરવા પશુઓનો શિકાર કરે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ હવે આ જંગલી પ્રાણીઓના માનવ પરના હુમલાઓ વધી રહ્યા છે. આજે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ખારા ગામે વિશાલ ભાવેશભાઇ પરમાર નામના એક પાંચ માસના માસુમ બાળકને સિંહણે ફાડી ખાધું હતું. અન્ય એક ઘટનામાં સાવરકુંડલાના કરજાળા ગામની સીમમાં ભુપત મગનભાઈ બાગડીયા નામના એક ૩ વર્ષના બાળકનો દિપડાએ શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યું હતું. જેના કારણે સીમ વિસ્તારમાં કામ કરતા કે ઝૂંપડાઓ બાંધીને રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
અમરેલી જીલ્લામાં એક જ દિવસમાં બબ્બે બાળકોના શિકારની ઘટના બનતા વનવિભાગ પણ દોડતું થયું છે. લીલીયાના ખારા ગામે પાંચ માસના બાળકને શિકાર બનાવનાર સિંહણને પુરવા કવાયત હાથ ધરી છે. બીજી તરફ, સાવરકુંડલાના કરજાળા ગામની સીમમાં બાળકનો શિકાર કરનાર દિપડાને ગણતરીની કલાકોમાં પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી છે.
અમરેલી જીલ્લામાં દિપડા અને સિંહની સંખ્યા મોટા પ્રમાણમાં છે અને છાસવારે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. આ મામલે વનવિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવે છે.પરંતુ જે ખેડૂતો અને ખેતમજૂરો વાડી ખેતરમાં રહે છે, તેઓ માટે વન્ય પ્રાણીઓનો ખરતો હંમેશા રહે છે. આ મામલે વનવિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.