અમરેલી- માંડલ અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, ૩ ડૉક્ટરને સસ્પેન્ડ કરાયા

અમરેલી, માંડલ-અમરેલી અંધાપાકાંડ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે મહત્વનો નિર્ણય લીધો. અંધાપાકાંડમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલે ૩ ડોક્ટરોને સસ્પેન્ડ કરવા સાથે મેડિકલ કોલેજ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમજ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને પણ બરખાસ્ત કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલ ૩ ડોક્ટરોમાં માંડલ હોસ્પિટલના એક તબીબ અને અમરેલી હોસ્પિટલના ૨ તબીબનો સમાવેશ થાય છે. જેમના મેડિકલ કાઉન્સિલ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત અંધાપાકાંડ મામલે માંડલ- અમરેલી હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલે અંધાપાકાંડમાં આખરે કડક કાર્યવાહી કરતા ડોક્ટરોને સસ્પેન્ડ કરવા સાથે અમરેલી કોલેજના ૪ નસગ સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે માંડલની રામાનંદ હોસ્પિટલ અને અમરેલીની શાંતાબા હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓમાં અનેક સમસ્યા જોવા મળી. ૧૦ જાન્યુઆરીના રોજ રામાનંદ હોસ્પિટલમાં ૨૮ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી મોટાભાગના ૧૭ જેટલા દર્દીઓને ઓપરેશન બાદ ઝાંખપ આવી હતી. તો કેટલાકને આંખમાંથી પાણી નીકળતું હતું તો કેટલાકની આંખો સૂજી ગઈ હોવાની ફરિયાદો સામે આવી હતી. સમગ્ર મામલો સામે આવતા ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લાંબા સમયગાળા પછી નિર્ણયાત્મક કાર્યવાહી કરવામાં આવી.

માંડલ-અમરેલીના અંધાપાકાંડને લઈને રાજ્યભરમાં ઉહાપોહ જોવા મળ્યો હતો. મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓમાં જોવા મળેલ ગંભીર સમ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો પણ દાખલ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ સભા મળી હતી. આ સભામાં મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો.નીતિન વોરાની અયક્ષતામાં જવાબદાર ૩ ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો મહ્તવનો નિર્ણય લેવાયો. માંડલ હોસ્પિટલના ડો. જયમીન પંડયાનું એક વર્ષ માટે અને અમરેલી હોસ્પિટલના ડો.પૂજા પરીખનું ૬ મહિના અને ડો.અંક્તિા મોઢવાણીનું ઓપ્થેલમીક સર્જન તરીકે ૩ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું. ઉપરાંત હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.આર.એમ.જિતિઆને તાત્કાલિક અસરથી ૬ મહિના માટે તેમના હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો.

અંધાપાકાંડ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે માંડલના શ્રી સેવા નિકેતન ટ્રસ્ટીઓ વિરુદ્ધ જરૂરી ઇન્ફાસ્ટ્રકચર, હોસ્પિટલમાં સરકારી ગાઈડ લાઈન મુજબ ફુલ ટાઇમ ડોક્ટર અને સાધનોના અભાવ અંગે કડક પગલાં લેવાનો રાજ્ય સરકારને નિર્દેશ કર્યો. આ સાથે નવી દિલ્હીની નેશનલ મેડિકલ કમિશનને અમરેલી મેડીકલ કોલેજ હોસ્પિટલ અને તેમના ટ્રસ્ટ શ્રીમતી શાન્તાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવા જણાવ્યું. ઉપરાંત ગુજરાત નસગ કાઉન્સિલને નર્સિંગ સ્ટાફના ૪ સભ્યો એજાઝ જે.મોગલ, ભરત કાળુભાઈ ચાવડા, ૠત્વિક ઠુમ્મર અને ભાવલિયા કેવલ રમેશભાઈ વિરુદ્ધ કડક પગલા લેવા જણાવ્યું.