
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેવા જઈ રહ્યા છે. તેમના શપથગ્રહણ પહેલાં જ દેશના ઘણા ભાગોમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયાં છે. શનિવારે હજારો લોકોએ અલગ-અલગ જગ્યાએ ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
‘પીપલ્સ માર્ચ’ના બેનર હેઠળ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ અનેક NGOના સમૂહે સાથે મળીને પ્રદર્શન કર્યું. ટ્રમ્પ સિવાય પ્રદર્શનકારીઓએ પોસ્ટરો અને બેનરો દ્વારા ઇલોન મસ્ક અને તેના નજીકના સહયોગીઓનો વિરોધ કર્યો હતો.આ પહેલાં પણ આ જૂથે જાન્યુઆરી 2017માં ટ્રમ્પના પ્રથમ શપથગ્રહણનો વિરોધ કર્યો હતો. આ જૂથમાં એબોર્શન એક્શન નાઉ, ધ ફેમિનિસ્ટ ફ્રન્ટ અને વુમન્સ માર્ચ જેવાં સંગઠનોનો સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ શપથગ્રહણ માટે રાજધાની વોશિંગ્ટન પહોંચી ગયા છે. ટ્રમ્પે શનિવારે બપોરે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચથી એરફોર્સના સી-32 લશ્કરી વિમાનમાં ઉડાન ભરી હતી. તેમની સાથે તેમનાં પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન ટ્રમ્પ પણ હતાં.આ ફ્લાઇટને સ્પેશિયલ એર મિશન 47 નામ આપવામાં આવ્યું હતું. મિશન 47 એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આ વિમાન ટ્રમ્પને આપ્યું હતું.
અમેરિકામાં સામાન્ય રીતે સત્તાથી બહાર જઈ રહેલા પ્રેસિડેન્ટ નવા રાષ્ટ્રપતિ માટે આવું કરે છે, જોકે ડોનાલ્ડ ટ્રમ્પે 2021માં બાઈડન માટે આવું કર્યું નહોતું. આ કારણે બાઈડનને ખાનગી વિમાન દ્વારા વોશિંગ્ટન આવવું પડ્યું હતું.
શપથ લીધા બાદ ટ્રમ્પ 100થી વધુ ઓર્ડર પર સહી કરશે
સોમવારે શપથ લીધા બાદ ટ્રમ્પ 100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે. તેમની ટીમે તેમના કાર્યકાળની શરૂઆત પહેલાં આ ઓર્ડર તૈયાર કર્યા છે. ઓવલ ઓફિસમાં ટ્રમ્પના ટેબલ પર એને મૂકવામાં આવશે.ટ્રમ્પના ચૂંટણી વચનો પૂરાં કરવાના ઉદ્દેશથી આ આદેશો તૈયાર કરવામાં આવ્યા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે તેણે પહેલા દિવસે રેકોર્ડ સંખ્યામાં ઓર્ડર પર સહી કરવાની યોજના બનાવી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, આ આદેશોમાં મેક્સિકોની સરહદ સીલ કરવી, ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અને ટ્રાન્સજેન્ડર્સને મહિલા રમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધનો સમાવેશ થઈ શકે છે.કાર્યકારી ઓર્ડર એવા આદેશો છે, જે રાષ્ટ્રપતિ દ્વારા એકપક્ષીય રીતે જાહેર કરવામાં આવે છે અને એમાં કાયદાની તાકાત હોય છે. આ માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી. કોંગ્રેસ એને પલટી નહીં શકે, પરંતુ તેને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.