ગાઝા, પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટીથી કાર્યરત આતંકવાદી જૂથ ’હમાસ’એ ૭ ઓક્ટોબરે સવારે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકોને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. પુરુષ હોય, સ્ત્રીઓ હોય કે બાળકો હોય, હમાસના આતંકવાદીઓએ કોઈને પણ છોડ્યા ન હતા. આ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. ઇઝરાયેલ પરના આ હુમલાની વિશ્ર્વના ઘણા દેશોના વડાઓએ નિંદા કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના સમર્થનમાં કરેલા ટ્વીટના જવાબમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, આ હુમલામાં ઘણા વિદેશી નાગરિકો પણ ઘાયલ થયા છે. પરંતુ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. આ હુમલામાં ઈઝરાયેલના નાગરિકોને પણ જાનહાનિ થઈ છે. આ હુમલામાં ઇઝરાયેલ અને બિન-ઇઝરાયેલ નાગરીકોને જાનહાનિ થઇ છે. અમને હજી સુધી આ વિશે સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ અમારી પાસે માહિતી મળતાં જ અમે તેને શેર કરીશું. પીએમ મોદીના ટ્વિટ અંગે તેમણે કહ્યું કે અમને ભારત તરફથી, વડાપ્રધાન તરફથી સમર્થન મળ્યું છે.
તેમણે કહ્યું કે, પીએમ મોદી સિવાય, ઇઝરાયલને ભારતના ઘણા મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, સનદી અધિકારીઓનું સમર્થન મળ્યું છે, જેનાથી હું ખૂબ જ ખુશ છું. સોશિયલ મીડિયા એવા લોકોથી ભરેલું છે જે ઇઝરાયલના સમર્થનમાં છે. અમે તેની પ્રશંસા કરીએ છીએ. અમે આની ભારપૂર્વક પ્રશંસા કરીએ છીએ. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભારત વિશ્ર્વનો એક મહત્વપૂર્ણ દેશ છે. બીજું, ભારત એવો દેશ છે જે આતંકવાદને સારી રીતે જાણે છે. અમે ખૂબ જ આભારી છીએ. ઈઝરાયેલને માત્ર નૈતિક અને રાજકીય સમર્થનની જરૂર છે. અમે જમીન પર કેવી રીતે કામ કરવું તે જાણીએ છીએ. હમાસ વિરુદ્ધ અમારી યોજનાને અમલમાં મૂકવાની જરૂર છે, જેથી હમાસ ફરી ક્યારેય કોઈને ધમકી ન આપી શકે.