
મુંબઇ, દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસર પર અમિતાભ બચ્ચને સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકરને યાદ કરીને પોતાના ભાવનાત્મક વિચારો શેર કર્યા હતા. બિગ બીને સંગીત, કલા, સંસ્કૃતિ અને સામાજિક કાર્યમાં તેમના અજોડ યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
બિગ બીએ આ ઈવેન્ટ માટે કુર્તા-પાયજામા સેટ સાથે મલ્ટીકલર્ડ શાલ પહેરી હતી. તેમની સાથે, શિવાંગી કોલ્હાપુરે, રણદીપ હુડા, એઆર રહેમાન અને મહારાષ્ટ્ર ભૂષણ ૨૦૨૩ વિજેતા અશોક સરાફ જેવા ઘણા પ્રખ્યાત કલાકારો સ્ટેજ પર જોઈ શકાય છે. લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરે અમિતાભને પોતાના હાથે એવોર્ડ આપ્યો હતો.
લતા મંગેશકરના પિતા અને થિયેટર-સંગીતના દિગ્ગજ દિનાનાથ મંગેશકરના સ્મૃતિ દિવસે ૨૪ એપ્રિલે અમિતાભ બચ્ચનને આ એવોર્ડ મળ્યો હતો. અમિતાભ માટે તેમના ચાહકો માટે આ એવોર્ડ મેળવવો ગર્વની વાત છે. ભારતીય સિનેમાના શહેનશાહ અમિતાભ બચ્ચન એક એવું નામ છે જેને માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેમની ફિલ્મી સફર સંઘર્ષ, સફળતા, ઉતાર-ચઢાવ અને પછી શિખરે પહોંચવાની વાર્તા છે. આ ઉપરાંત, પીઢ અભિનેતાએ અત્યાર સુધીમાં ૨૦૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે. હવે તે ટૂંક સમયમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’માં જોવા મળશે. આ ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે, જેમાં તેનો અવતાર એકદમ અલગ દેખાઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની સ્થાપના માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવી છે. આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અગ્રણી યોગદાન આપ્યું હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના પ્રથમ પ્રાપ્તર્ક્તા હતા. તે પછી વર્ષ ૨૦૨૩માં લતા મંગેશકરની બહેન આશા ભોંસલેને આ એવોર્ડ મળ્યો હતો. સંગીત, કલા, સંસ્કૃતિ અને સામાજિક કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે.