અમિટ શાહી કેવી રીતે કામ કરે છે

દાહોદ, પ્રશ્ર્ન હજુ પણ એ જ થાય કે; એવું તો શું છે આ શાહીમાં; કે ચૂંટણીમાં માત્ર આ શાહીનો જ ઉપયોગ થાય અને અન્ય કોઈ શાહીનો નહિ! એનો જવાબ છુપાયો છે. આ શાહીની બનાવટમાં. આ શાહીનો ઉપયોગ મતદારોની આંગળી પર કરવામાં આવે છે, જેથી એક જ વ્યક્તિ બે વાર મત ન આપી શકે. એટલે શાહી એવી જોઈએ કે જે ધોવાથી જતી ન રહે. આ શાહીનો મુખ્ય ઘટક ચાંદીનો નાઇટ્રેટ છે, જે ત્વચા પર લાગ્યા પછી સૂર્યપ્રકાશમાં કાળો પડી જાય છે અને ધોવાથી નથી જતો.

આ શાહીની અમિટતા એટલી પ્રબળ છે કે તે સાબુ, પાણી, ડિટર્જન્ટ વગેરેથી પણ સહેલાઈથી નથી જતી અને લગભગ 72 કલાક સુધી ટકી શકે છે. પાણી-આધારિત આ શાહીમાં એક દ્રાવક તરીકે આલ્કોહોલ પણ હોય છે. જેના કારણે તે ઝડપથી સૂકાઈ જાય છે.

આ શાહી તેની ગુણવત્તા અને અમિટતાને કારણે તે ખૂબ જ પ્રસિદ્ધ છે. ભારતમાં જ નહીં, પરંતુ વિશ્ર્વના અન્ય દેશોમાં પણ વપરાય છે. આમ તો, આ શાહીનો રંગ વાયોલેટ છે, પરંતુ સુરીનામ દેશે 2005ની તેમની વિધાનસભા ચૂંટણીમાં નારંગી રંગની શાહી વાપરી હતી.

મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીના આયોજનમાં વપરાતી અઢળક ચૂંટણી મશીનરીમાં આ શાહી એક ખૂબ નાનું તત્વ છે; પરંતુ ખુબ મોટો ફાળો ભજવે છે. બોગસ મતદાન કરવા ઇચ્છતા લોકો માટે આ શાહી માથાનો દુખાવો છે જયારે પ્રામાણિક મતદારો માટે ગર્વનું નિશાન…!!!