અમિત શાહે યેદીયુરપ્પાનો ન સ્વીકાર્યો પ્રથમ ગુલદસ્તો

બેંગ્લુરુ,કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપ દક્ષિણ ભારતના મજબૂત ગઢને બચાવવા માટે સતત રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. આ કડીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના ઘરે બ્રેકફાસ્ટ મીટિંગ માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી બોમાઈ અને અન્ય કેટલાક બીજેપી નેતાઓ હાજર હતા.

અમિત શાહ અને યેદિયુરપ્પાની ચૂંટણીની તૈયારીઓ પહેલા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વાસ્તવમાં, આગામી ચૂંટણીમાં ભાજપ બીએસ યેદિયુરપ્પાના ચહેરાને આગળ કરવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર ૮૦ વર્ષીય યેદિયુરપ્પા ચાર વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ પ્રભાવશાળી લિંગાયત સમુદાયમાં નોંધપાત્ર અનુયાયીઓ ધરાવે છે. આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં યેદિયુરપ્પા મોટી ભૂમિકા ભજવે.

આ બેઠક અને યેદિયુરપ્પાનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે જ્યારે યેદિયુરપ્પા તેમના ઘરે અમિત શાહને આવકારવા માટે ફૂલોનો ગુલદસ્તો આપવા આગળ વધે છે ત્યારે શાહે ઈશારો કરીને કહ્યું હતું કે, ગુલદસ્તો વિજયેન્દ્રને આપી દો! આ સાંભળીને યેદિયુરપ્પા તેમના પુત્ર વિજેન્દરને ગુલદસ્તો આપે છે અને અમિત શાહ તેમના હાથમાંથી ગુલદસ્તો લઈ વિજેન્દરને ગળે લગાવે છે. આ પછી યેદિયુરપ્પાએ બીજો પુષ્પગુચ્છ આપીને શાહનું સ્વાગત કર્યું.

પ્રતિકાત્મક રીતે, અમિત શાહે કર્ણાટક અને ખાસ કરીને લિંગાયત સમુદાયને આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, જો કે યેદિયુરપ્પા આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી, તેમ છતાં તેઓ પક્ષ માટે મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તેમની યુવા પેઢી જે અત્યાર સુધી પાર્ટી માટે કામ કરી રહી છે તેને મહત્વ આપવામાં આવશે.