અમિત શાહના હસ્તે બીજી જુલાઈએ સાબરમતી રિવર ક્રુઝનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાશે

અમદાવાદ, સાબરમતી રિવરફરન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલ ઉદઘાટન કરાયા પછી એક સપ્તાહ બાદ સાબરમતી રિવર ક્રુઝ/ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ કૉમર્શિયલ ધોરણે કાર્યરત થશે. એએમસીના મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફરન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. પ્રોજેક્ટમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે. એસઆરએફડીએલ દ્વારા પીપીપી ધોરણે શરૂ થનારા ફ્લોટિંગ રેસ્ટોરાં/રિવર ક્રૂઝમાં આમ, હવે અમદાવાદીઓ હવે વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસી અને જમવાની મજા માણી શકશે. રૂ. ૧૦ કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર કરાયું છે. નદીના ઉપયોગ બદલ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા વાર્ષિક રૂ. ૪૫ લાખની લાઇસન્સ ફી પેટે સાબરમતી રિવરફરન્ટ તંત્રને ચૂકવશે. ગત ફેબ્રુઆરીમાં વલસાડના ઉમરગામથી આ ક્રૂઝને રિવરફરન્ટ પર લાવવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફરન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વપ્ન હતું કે, સાબરમતી નદીમાં ક્રૂઝ રેસ્ટોરાં મળે અને સહેલાણી અને નાગરિકોને આવી ક્રૂઝ રેસ્ટોરાંની મજા માણવા બહાર જવું પડશે નહીં.

ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી હશે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવાશે. ક્રુઝમાં ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, ડીજે સાઉન્ડ સિસ્ટમ, લાઈફ્ સેવિંગ સિસ્ટમ, વગેરે સુવિધાઓ હશે. ક્રૂઝમાં બેસી બંને તરફ્ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવશે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે. સરદાર બ્રિજ અને અટલ બિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે.