અમિત શાહે આજે ૧૮૮ હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપી

અમિત શાહે આજે ૧૮૮ હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપી છે. પડોશી દેશોમાંથી આવેલા ૧૮૮ હિંદુ શરણાર્થીઓને સીએએ હેઠળ ભારતીય નાગરિક્તાના પ્રમાણપત્ર અમિત શાહે એનાયત કર્યા હતા. આ તકે અમિત શાહે જણાવ્યુ કે આ અત્યંત ભાવુક કરનારી ક્ષણ છે. અત્યાર સુધી આ લોકો શરણાર્થી કહેવાતા હતા હવે ભારત માતાના પરિવારમાં સામેલ થઈ જશે. શાહે કહ્યુ સીએએ માત્ર દેશમાં વસેલા લાખો લોકોને નાગરિક્તા દેવાનો કાર્યક્રમ નથી. પરંતુ સીએએ દેશમાં વસતા લાખો શરણાર્થીઓને ન્યાય આપવાનો અને અધિકાર આપવાનો કાયદો છે.

અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યો કે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તેમના સાથીદળોની તુષ્ટિકરણની નીતિને કારણે વર્ષ ૧૯૪૭ થી લઈને ૨૦૧૪ સુધી શરણાર્થીઓને તેમના અધિકારથી વંચિત રખાયા. પડોશી દેશોમાં તો તેમની સાથે અન્યાય થયો કારણ કે તેઓ અલ્પસંખ્યક હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ હતા. પરંતુ તેમની પ્રતાડના આપણા દેશમાં પણ થઈ. લાખો કરોડો લોકો ત્રણ ત્રણ પેઢી જતી રહી તો પણ ન્યાય માટે તરસતા રહ્યા.

અમિત શાહે કહ્યુ કોઈપણ દેશનું વિભાજન ધર્મના આધાર પર નથી થયુ.એકમાત્ર ભારતનું વિભાજન આઝાદી સમયે ધર્મના આધારે કરવામાં આવ્યુ. આ દરમિયાન ભયાનક કોમી રમખાણો થયા હતા. કરોડો ભારતીયો એ ક્યારેય નહીં ભૂલી શકે કે કેટલી પારવાર વેદના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં રહેતા હિંદુ, બૌદ્ધ, જૈન, શીખોએ સહન કરવી પડી છે. કુંટબોના કુટુંબો ઉજડી ગયા, કરોડોપતિ, અબજોપતિઓ ગાંધીધામમાં આવી રોડ પર શાકભાજી વેચવા લાચાર બની ગયા, આનાથી મોટો અત્યાચાર આખી દુનિયામાં ક્યાંય નથી થયો.

એ સમયે ભાગલાનો નિર્ણય તો લીધો પરંતુ જ્યારે હિંસાની ઘટનાઓ સામે આવી તો કોંગ્રેસના દરેક નેતાઓએ વચન આપ્યુ હતુ કે પડોશી દેશોમાં જે શરણાર્થીઓ આવે છે, તેમને ભારતીય નાગરિક્તા આપવામાં આવશે. પરંતુ જેમ-જેમ ચૂંટણીઓ આવતી ગઈ તેમ તેમ તેઓ નિર્ણયમાંથી ફરી ગયા. જવાહર લાલ નહેરુએ આપેલા વચન, મહાત્મા ગાંધીનું આહ્વન બધુ જ વિસારી દેવાયુ. કારણ કે તેમને લાગ્યુ કે હિંદુ શરણાર્થીઓને નાગરિક્તા આપશુ તો આપણી વોટબેંક નારાજ થઈ જશે,આ તુષ્ટિકરણની નીતિને કારણે લાખો કરોડો લોકોને નાગરિક્તાથી વંચિત રહેવુ પડ્યુ. આનાથી મોટુ કોઈ પાપ ન હોઈ શકે