
લખનૌ, કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે બુધવારે અહીં ઉમેદવારી પત્ર ભર્યું. મતલબ કે સોનિયા ગાંધી આ વખતે લોક્સભાની ચૂંટણી નહીં લડે. આવી સ્થિતિમાં રાયબરેલી લોક્સભા સીટને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીને આ વખતે રાયબરેલી સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ નથી એમ કહીને વિપક્ષી ગઠબંધનની ચિંતા વધારી દીધી છે.
અખિલેશ યાદવે કહ્યું, અમેઠી-રાયબરેલી લોક્સભા બેઠકો કોંગ્રેસનો ગઢ નથી. સમાજવાદી પાર્ટી હંમેશા આ બેઠકો પર કોંગ્રેસને મદદ કરતી રહી છે. સોનિયા ગાંધીના રાજ્યસભામાં જવાના અને પ્રિયંકા ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના પ્રશ્ર્ન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે અમેઠી-રાયબરેલી ચોક્કસપણે કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે, પરંતુ તે કોંગ્રેસનો ગઢ નથી. સપા-કોંગ્રેસ ઈન્ડિયા એલાયન્સમાં સીટ વહેંચણીને લઈને વાતચીત અટવાઈ ગઈ છે. દરમિયાન અખિલેશ યાદવના આ નિવેદનથી કોંગ્રેસનો ગુસ્સો ચોક્કસપણે વધી શકે છે.
રાયબરેલી લોક્સભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ૭૭ વર્ષીય સોનિયા ગાંધી ૧૯૯૯માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ત્યાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સોનિયા ગાંધીએ ૨૦૧૯માં જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોક્સભા ચૂંટણી હશે. એવી અટકળો છે કે સોનિયા ગાંધી આ વખતે ચૂંટણી નહીં લડે તો તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી લોક્સભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પછી રાજ્યસભામાં પ્રવેશ કરનાર ગાંધી પરિવારના તે બીજા સભ્ય હશે. ઈન્દિરા ગાંધી ઓગસ્ટ ૧૯૬૪ થી ફેબ્રુઆરી ૧૯૬૭ સુધી ઉપલા ગૃહના સભ્ય હતા.-