
નવીદિલ્હી,\ કોંગ્રેસ પાર્ટીની પરંપરાગત બેઠકો ગણાતી અમેઠી અને રાયબરેલી માટે પાર્ટી સતત આયોજન કરી રહી છે. લાંબી રાહ જોયા બાદ પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી અને કેએલ શર્માને લોક્સભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં અમેઠી સીટ પર રાહુલ ગાંધીનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસ પાર્ટીએ આ બેઠકો જીતવા માટે ખાસ આયોજન શરૂ કરી દીધું છે. કોંગ્રેસે અમેઠી અને રાયબરેલીની જવાબદારી બંને રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓને સોંપી છે.
અમેઠી અને રાયબરેલી બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગઈ છે. પાર્ટીએ આ બે બેઠકો માટે બે પૂર્વ મુખ્યમંત્રીઓને નિરીક્ષક બનાવ્યા છે. અમેઠીથી અશોક ગેહલોત અને રાયબરેલીથી ભૂપેશ બઘેલને પાર્ટીએ નિરીક્ષક તરીકે મોકલ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોક્સભા ચૂંટણી વચ્ચે તાત્કાલિક અસરથી આ બંને નિમણૂકોને લીલી ઝંડી આપી દીધી છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસ આ બેઠકો પર કોઈ ક્સર છોડવા માંગતી નથી. તેથી, આ વખતે પ્રિયંકા ગાંધી વાડ્રા પોતે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસના પ્રચારની જવાબદારી સંભાળશે. ૧૮ મે સુધી પ્રિયંકા આ બે સીટો પર જ ફોક્સ કરશે. મતલબ કે પ્રિયંકા ગાંધી લગભગ ૧૨ દિવસ સુધી આ બે બેઠકો સિવાય અન્ય કોઈ રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે જશે નહીં.
મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી સોમવારે રાત્રે ગેસ્ટ હાઉસમાં કોંગ્રેસના કાર્યર્ક્તાઓને મળશે અને ત્યારબાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. પ્રિયંકા ગાંધી અગાઉ પણ આ બે બેઠકો પર તેમના ભાઈ અને માતા માટે પ્રચાર સંભાળી રહ્યા છે. પરંતુ સક્રિય રાજનીતિમાં આવ્યા બાદ આ પ્રથમ વખત બનશે કે આ બંને બેઠકો જીતવાની જવાબદારી પ્રિયંકાના ખભા પર હશે.