અમેરિકામાં ઘૂસવા જતાં અંદાજે 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયાના અહેવાલ છે, જેમાં મોટા ભાગના ઉત્તર ગુજરાતના યુવાનો છે. તેઓ મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસએમાં ઘૂસ્યા હતા. આ અઠવાડિયા પહેલાંની ઘટના છે. ઝડપાયેલા તમામને ગમે ત્યારે ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અંદાજે એક મહિના પહેલાં ઉત્તર ગુજરાતના 150થી વધુ યુવાનો અમેરિકા જવા નીકળ્યા હતા. તેઓ વાયા યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા હતા. ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા અને એક અઠવાડિયા પહેલાં મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા અને ઝડપાઈ ગયા હતા.
યુરોપથી આવતા લોકોએ કાયદેસર મેક્સિકોની ઓનઅરાઇવલ વિઝા કે પરમિટ લેવી પડે, પરંતુ ચાર્ટર્ડમાં ગયા એ બધાએ પરમિટ લીધી નહોતી. આ બધા ચાલતાં ચાલતાં મેક્સિકોમાં ઘૂસી ગયા બાદ એજન્ટોએ તેમના પાસપોર્ટ પર મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર મારી દીધાં હતાં.પાસપોર્ટમાં મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર લગાવ્યાં બાદ પહેલા દિલ્હીના એજન્ટોએ બધા પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યાર બાદ બધાને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી હતી. અહીં દિલ્હીના એજન્ટનું કામ પતી ગયું હતું.નોંધનીય છે કે અમેરિકામાં ઘૂસતાં પકડાઈ જાય તો ભારતીય લોકો દર વખતે સામાન્ય બહાના કાઢતા હોય છે. ભારતમાં કોઈ રાજકીય પાર્ટીથી ખતરો હોવા સહિતનાં કારણો તેઓ અમેરિકાની ઓથોરિટીને જણાવે છે. અમેરિકાના કાયદા મુજબ તેઓ આવા લોકોને અસાયલમ (રાજ્યશ્રય) આપે છે, પણ આ વખતે બાજી બદલાઈ ગઈ હતી.
અમેરિકાની બોર્ડર પોલીસે પાસપોર્ટ ચેક કરતાં એમાં મેક્સિકોના સિક્કા ખોટા હોવાનું સામે આવ્યું હતું, આથી ત્યાંની ઓથોરિટીએ અસાયલમ (રાજ્યશ્રય)નું કારણ ફગાવી દીધું હતું અને વધુ પૂછપરછ કરી હતી. ઓફિસરે તેમને પૂછ્યું હતું કે અસાયલમની વાત અલગ છે, પણ તમારા પાસપોર્ટમાં આ મેક્સિકોના સિક્કા ખોટા છે, એનો જવાબ આપો. તમે ખોટું કરીને આવ્યો છો. તમે મેક્સિકો ઊતર્યા જ નથી. તમે બહારની બીજી કન્ટ્રીમાંથી આવ્યા છો. કડક પૂછપરછ બાદ ઘૂસેલા લોકોએ સ્વકારી લીધું હતું કે સિક્કા ખોટા છે અને મેક્સિકોમાં એજન્ટોએ લગાવ્યા છે.
ઝડપાયેલા તમામ લોકોને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ દેશના લોકો સામેલ છે. ભારતીયોમાં 150થી વધુ ગુજરાતીઓ છે. આ કેસ અસાયલમના બદલે ડોક્યુમેન્ટ સાથે ચેડાં કર્યાં હોવાથી તમામને ડિપોર્ટ કરવાની તજવીજ થઈ રહી છે.