અમેરિકી પ્રતિનિધિ સભામાં ૧૬૪ વર્ષના ઇતિહાસની સૌથી પેચીદી ઘટના : ૧૧ વખત મતદાન છતાં સ્પીકરને બહુમતી નહી

વોશિંગ્ટન,

અમેરિકાના ૧૬૪ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યુ હોય તેમ પ્રતિનિધિ સભાના સ્પીકરનો ફેંસલો થઇ શક્તો નથી અને લાંબા વખતથી મામલો પેચીદો બન્યો છે. વર્તમાન સ્પીકર નેન્સી પેલોસીના પદ ત્યાગ બાદ નવા સ્પીકરની ચૂંટણી કરવાની છે પરંતુ કોઇ પાર્ટી બહુમતી સાબિત કરી શક્તી ન હોવાના કારણે કોઇ ફેંસલો થઇ શક્તો નથી. છેલ્લા ત્રણ દિવસમાં ૧૧ વખત મતદાન કરાવવામાં આવ્યું હોવા છતાં કોઇપણ ઉમેદવારને બહુમતી મળી ન હતી અને દરેક વખત મામલો અટવાયેલો જ રહ્યો હતો. સતત ત્રીજા દિવસે કાર્યવાહી સ્થગિત કરવાનો વખત આવ્યો હતો.

પ્રતિનિધિ સભાના સ્પીકર માટે વિપક્ષ રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર કેવીન મેકાર્થીએ ત્રણ દિવસમાં ૧૧ વખત બહુમતી હાંસલ કરવામાં પ્રયત્ન કર્યો હતો પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી હતી. અમેરિકી હાઉસમાં છેલ્લા ૧૬૪ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સ્પીકરની ચૂંટણી માટે આવી પેચીદી હાલત ઉભી થઇ છે. ગઇકાલે વધુ એક પ્રયત્ન નિષ્ફળ થયા બાદ અમેરિકાના નીચલા ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવી પડી હતી.

અમેરિકી સાંસદો દ્વારા પાંચ વખત મતદાન કરવામાં આવ્યું હતું. સીએનએનના રીપોર્ટ પ્રમાણે અમેરિકી પ્રતિનિધિ સભાના ૧૬૪ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે આવો મહામુકાબલો જોવા મળ્યો છે. ૧૧માં મતદાનમાં સાંસદ હકીમ ઝેફરીસને ૨૧૨, કેવીન મેકાર્થીને ૨૦૦, બાઇરન ડોનાલ્ડને ૧૨, કેવીન હર્નને ૭ મત મળ્યા હતા.

આમ મેકાર્થી વધુ એક વખત સ્પીકર પદની ચૂંટણી હારી ગયા હતા. સત્તા પક્ષ ડેમોક્રેટીક પાર્ટીના નેતા નેન્શી પેલોસીને ર૦ર૧માં ર૧૬ મત મળ્યા હતા હવે તેઓએ સ્પીકર પદ છોડવાનો નિર્ણય લીધો છે. પેલોસી ર૦૦૭માં પ્રતિનિધિ સભાની પ્રથમ મહિલા સ્પીકર બની હતી. મેકાર્થીએ સ્પીકર પદે ચૂંટાવા માટે વિરોધીઓને અનેકવિધ ઓફરો કરી હતી. તેમ છતાં બહુમતી માટે પર્યાપ્ત વોટ મેળવી શકયા ન હતા.