​​​​​​​અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ : ઉપદ્રવીઓએ લખ્યું,હિન્દુઓ પાછા જાઓ

અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ અટકી નથી રહી. છેલ્લા 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ હિંદુ મંદિર પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ દરમિયાન સ્વામિનારાયણ મંદિરમાં હિંદુ વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. ઉપદ્રવીઓએ લખ્યું હતું ‘હિન્દુઓ પાછા જાઓ’. આ ઘટના કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં બની હતી. આ પહેલાં ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરમાં પણ આવી જ ઘટના બની હતી.

અમેરિકામાં હિંદુમિશિયા વધી રહ્યો છે. હિંદુમિશિયા એ અંગ્રેજી શબ્દ છે જેનો ઉપયોગ હિંદુઓ પ્રત્યે દ્વેષને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે.

તાજેતરમાં જ ન્યૂયોર્કથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ત્યાં પણ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. લગભગ 10 દિવસ પહેલાં બનેલી આ ઘટના બાદ હવે સેક્રામેન્ટોમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને ભારતીય કોન્સ્યુલેટે આ ઘટનાની નિંદા કરી છે. હવે ફરી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

હિંદુ સંગઠન BAPSએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ‘ન્યૂયોર્કમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની તોડફોડના 10 દિવસથી પણ ઓછા સમયમાં સેક્રામેન્ટોમાં અમારા મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું. નફરત ફેલાવતા સંદેશાઓ સાથે મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ નફરતની અમે નિંદા કરીએ છીએ. અમે આનાથી ખૂબ જ દુઃખી છીએ.

અગાઉ પણ હિન્દુ મંદિરોમાં તોડફોડ થઈ

  • જુલાઈની શરૂઆતમાં, કેનેડાના એડમોન્ટનમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.
  • 10 દિવસ પહેલાં ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ.
  • હવે સેક્રામેન્ટોમાં BAPS મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને નફરતના સંદેશા લખવામાં આવ્યા છે.