અમેરિકાની સંઘીય કોર્ટે શુક્રવારે એક મહત્વનો ચુકાદો આપતા ટ્રમ્પ કાર્યકાળના H-1B વીઝા નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર રદ કરી દીધા છે. કોર્ટના આ ચુકાદાના કારણે ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓને ભારે મોટી રાહત મળશે. કોર્ટના આ નિર્ણયથી અમેરિકામાં નોકરીની તલાશ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો મળશે. આ નિર્ણયના કારણે હવે ફ્રેશ ગ્રેજ્યુએટ્સને નોકરી મેળવવામાં સરળતા રહેશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ કાર્યકાળમાં H-1B વીઝા નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર અંતર્ગત વિદ્યાર્થીઓની પસંદગીની પ્રક્રિયા લોટરી ડ્રોથી બદલીને ફક્ત ઉંચા ચુકવણાવાળી નોકરીઓ માટે કરી દેવામાં આવી હતી. તેનો ખૂબ વિરોધ થયો હતો અને કોર્ટમાં તે નિર્ણય પડકારવામાં આવ્યો હતો.
તે સિવાય યુનિવર્સિટીઝે પણ નિયમમાં ફેરફારનો વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીઝે કહ્યું હતું કે, જો નવો નિયમ લાગુ કરવામાં આવશે તો સંભવતઃ વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકા આવવાથી સીમિત કરી દેવામાં આવશે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સે પણ નિયમ પરિવર્તનને કોર્ટમાં પડકાર આપ્યો હતો જેના કારણે સંઘીય કોર્ટે નિયમના કાર્યાન્વયન પર સ્થગન આદેશ આપી દીધો હતો.
અરજીકર્તાઓએ કોર્ટમાં એવો તર્ક આપ્યો હતો કે, નવો નિયમ ઈમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમનું ઉલ્લંઘન કરે છે. એવો તર્ક પણ આપવામાં આવ્યો કે, નિયમોમાં ફેરફારના પરિણામસ્વરૂપ ઓછા વિદ્યાર્થીઓ અમેરિકી યુનિવર્સિટીઝમાં અરજી કરશે કારણ કે, અભ્યાસ પૂરો કર્યા બાદ તેમને નોકરી મળવાની શક્યતા સાવ નહીંવત હશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી નાગરિકોની નોકરીઓની રક્ષા માટે ટ્ર્મ્પ પ્રશાસને H-1B ઉમેદવારો માટે ઉચ્ચ વેતનવાળી નોકરીઓની યોગ્યતા આપીને નિયમ પરિવર્તનનો પ્રસ્તાવ આપ્યો હતો. અમેરિકા 65,000 નવા H-1B વીઝા જારી કરે છે જ્યારે અન્ય 20,000 યુએસ માસ્ટર્સવાળા અરજીકર્તાઓ માટે આરક્ષિત છે.