ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ પરથી ડુપ્લીકેટ પાસપૉર્ટ સાથે એક વ્યક્તિ પકડી પાડવામાં આવ્યો છે. ડુબલીકેટ પાસપૉર્ટ થી અમેરિકા જઈ પરત ફરી રહેલા આ વ્યક્તિ ને ઈમિગ્રેશન ઓફિસરને શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં આ વ્યક્તિનો પાસપૉર્ટ નકલી હોવાનું સામે આવતા ઇમિટેશન અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસ.ઓ.જી. ટીમે તે વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જોકે પોલીસ પૂછપરછમાં આ વ્યક્તિ દ્વારા અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. કઈ રીતે ડુપ્લીકેટ પાસપૉર્ટ આધારે આ વ્યક્તિ અમદાવાદથી અમેરિકા પહોંચ્યો હતો એ પણ સામે આવ્યું છે.
સામાન્ય રીતે અમેરિકા જવાની ઘેલછામાં અનેક લોકો અલગ અલગ રસ્તાઓ અપનાવી ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચતા હોય છે. તેમાંથી અમુક લોકો તેની અમુક ખામીઓને કારણે પકડાઈ પણ જતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. ગત તારીખ 17 મે ના રોજ અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાથી આવેલા જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિના ઇમિગ્રેશન સમયે ઇમિગ્રેશન અધિકારીને પાસપૉર્ટ પર શંકા જતા તેની તપાસ કરી હતી. જેમાં જીતેન્દ્ર પટેલ ડુપ્લીકેટ પાસપૉર્ટ દ્વારા અમદાવાદથી અમેરિકા ગયા હોવાનું સામે આવતા સમગ્ર મામલે ઇમિગ્રેશન ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.
ઇમિગ્રેશન ઓફિસર તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે જીતેન્દ્ર પટેલ અમદાવાદના રાણીપ વિસ્તારના રહેવાસી છે. તેઓ એજન્ટ મારફતે ડુપ્લીકેટ પાસપૉર્ટ બનાવી અમેરિકા પહોંચ્યા હતા. જીતેન્દ્ર પટેલે કલોલના જગાભાઈ નામના એજન્ટ પાસેથી 50 લાખમાં ડુપ્લીકેટ પાસપૉર્ટ તૈયાર કરાવડાવ્યો હતો. કલોલના એજન્ટ દ્વારા દિલ્હીના સરદારજી નામના વ્યક્તિને ડુપ્લીકેટ પાસપૉર્ટ બનાવવાનું કામ સોપ્યું હતું. તેના દ્વારા અન્યના નામના પાસપૉર્ટ ઉપર જીતેન્દ્ર પટેલનો ફોટો ચોંટાડી પાસપોર્ટમાં ચેડાં કરી બનાવટી પાસપૉર્ટ બનાવ્યો હતો. જેના આધારે જીતેન્દ્ર પટેલ વર્ષ 2021 22 માં મુંબઈ એરપોર્ટથી અમેરિકા પહોંચ્યા હતા.
જે બાદ રિમાન્ડ દરમ્યાન પોલીસની વધુ પૂછપરછમાં જીતેન્દ્ર પટેલે હકીકત જણાવવી હતી કે ગાંધીનગરના એજન્ટ નરેશભાઈનો સંપર્ક કર્યો હતો અને નરેશભાઈએ દિલ્હીના સરદારજીના નામના વ્યક્તિના થકી જીતેન્દ્રભાઈનાં આધાર કાર્ડ, રેશનકાર્ડ અને બેંકની પાસબુક ડુપ્લીકેટ બનાવી આપી હતી તેમજ આ તમામ ડોક્યુમેન્ટના આધારે દિલ્હી ઓફિસથી દિલ્હીના જ નામ સરનામા વાળો અને હિતેન્દ્ર પટેલના બદલે સુંદરલાલ ના નામ વાળો પાસપૉર્ટ બનાવી 10 વર્ષના અમેરિકાના વિઝા મેળવી આપ્યા હતા.
જોકે અમેરિકા ગયેલા જીતેન્દ્ર પટેલની બંને કિડનીમાં તકલીફ હોવાને કારણે તે ઓપરેશન માટે અમેરિકાથી ભારત આવ્યા હતા. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ઈમિગ્રેશન અધિકારીને ખ્યાલ આવ્યો કે જીતેન્દ્ર પટેલને અમદાવાદથી અમેરિકા સુધી પહોંચવાનો પાસપોર્ટમાં કોઈ સિક્કો લાગેલો હતો નહીં, ફક્ત અમેરિકાથી અમદાવાદ પહોંચવાનો સિક્કો હોવાથી ઈમિગ્રેશન ઓફિસરને શંકા ગઈ હતી જેના આધારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
દિલ્હીના સરદારજી નામના વ્યક્તિ દ્વારા 50 વર્ષના જીતેન્દ્ર પટેલને 80 વર્ષના સુંદરલાલ બનાવી ડુપ્લીકેટ પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ જીતેન્દ્ર પટેલ અમેરિકા પહોંચી ત્યાં સ્ટોરમાં નોકરી કરતો હતો. જોકે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જીતેન્દ્ર પટેલના બે સગા ભાઈઓ પણ અમેરિકા રહેતા હતા.
જીતેન્દ્ર પટેલ દ્વારા અમેરિકા થી અમદાવાદ પરત આવવાનું હોવાથી તેનો ઓરીજનલ પાસપોર્ટ પણ તેણે કુરિયર મારફતે અમેરિકા મંગાવ્યો હતો અને જેના આધારે તે ફરીથી અમદાવાદ પહોંચ્યા હતા. હાલ તો એસઓજી પોલીસ ગાંધીનગરના એજન્ટ તેમજ દિલ્હીના સરદારજી નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.