અમેરિકાથી લગ્ન કરવા આવ્યા અને મોત મળ્યું મોત, રાજકોટની આગમાં એનઆરઆઇ પરિવાર હોમાયો

રાજકોટ, ક્યારે કોનું મૃત્યુ લખાયેલું હોય છે એની કોઈ ખબર હોતી નથી. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં ૯ બાળકો સહિત ૩૩ લોકોના મોત થયા છે, ત્યારે આ અગ્નિકાંડે એક એનઆરઆઇ પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો. હજુ ૪ દિવસ પહેલા જ યુગલના લગ્ન થયા હતા, ત્યારે નવ પરિણીત યુગલનું મોત થતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગે કેટલાક પરિવાર વેરવિખેર કરી દીધા, કોઈ માએ પોતાનો દીકરો ગુમાવ્યો, કોઈ ભાઈએ બહેન તો બહેને ભાઈ ગુમાવ્યો છે. કોઈ પણ પરિવાર માટે આનાથી મોટી આફત તો બીજી શું હોઈ શકે. આ અગ્નિકાંડનો ભોગ બનેલા પરિજનોનો આક્રંદ હૈયું પીગળાવી મૂકે તેવો છે. આ દુર્ઘટનાએ ગુજરાતનું કાળજું કંપાવી નાખ્યું છે, બાળકો સહિત ૩૩ લોકોના મૃત્યુએ લોકોને હચમચાવી દીધા છે. શનિવારનો દિવસ કેટલાય પરિવારો માટે કરુણ સાબિત થયો. વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના બાળકોને લઈને ગેમ ઝોન પહોંચ્યા હતા, ત્યારે કોઈને ખબર ન હતી કે આ ગેમ ઝોનમાં ગેમ રમતા-રમતા મોતનો ખેલ ખેલાઈ જશે અને જીવનની ગોમ ઓવર થઈ જશે.

શનિવારનો દિવસ એક એનઆરઆઇ પરિવાર માટે પણ કરુણ સાબિત થયો. થોડા દિવસો પહેલા જ લગ્ન કરવા માટે આવેલો એનઆરઆઇ પરિવાર આ અગ્નિકાંડને કારણે વેરવિખેર થઈ ગયો છે. અમેરિકાથી લગ્ન કરવા રાજકોટ આવેલા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમેરિકાથી હજારો કિલોમીટર દૂર એનઆરઆઇ પરિવાર એક ખુશીના પ્રસંગ માટે વતન આવ્યો હતો, અને પરિવાર પર હવે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. અગ્નિકાંડમાં મૂળ રાજકોટના હાલ અમેરિકામાં રહેતા પરિવારના ત્રણ લોકોના મોત થયા છે, જેમાં ચાર દિવસ પહેલા જ લગ્ન થયેલ યુગલ પણ સામેલ છે.