કેલિફોનયા,
અમેરિકાની બ્લડ ટેસ્ટિંગ સ્ટાર્ટઅપ કંપની થેરાનોસની સીઇઓ એલિઝાબેથ હોમ્સ ના કેલિફોનયાના સૈન જોસની એક અદાલતના ૧૧ વર્ષની જેલની સજા સંભળાવી છે. અમેરિકન બાયોટેક સ્ટાર એલિઝાબેથ હોમ્સ પર તેના રોકાણકારોને છેતરવાનો આરોપ છે. જણાવી દઈએ કે, એલિઝાબેથની સ્ટાર્ટઅપ કંપની થેરાનોસ ૨૦૧૮માં જ બંધ થઈ ગઈ હતી. કંપનીએ બ્લડ ટેસ્ટિંગ સેક્ટરમાં ક્રાંતિ લાવવાનું વચન આપ્યું હતું અને તેના નામે રોકાણકારોને છેતર્યા હતા.
૩૮ વર્ષની હોમ્સને ૩ મહિના સુધી ચાલેલા કેસ બાદ જાન્યુઆરીમાં દોષી ઠેરવવામાં આવી હતી. હોમ્સે વર્ષ ૨૦૦૩માં સ્ટાર્ટઅપ કંપની થેરાસોનની શરૂઆત કરી હતી. તે સમયે હોમ્સે દાવો કર્યો હતો કે તેમની કંપનીએ એવું બ્લડ એનાલાઈઝર બનાવ્યું છે જેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને તે સરળતાથી બ્લડ ટેસ્ટ કરી શકશે. આ સિવાય આ સ્ટાર્ટઅપે એવો પણ દાવો કર્યો છે કે, એકવાર આંગળીમાંથી લોહી લેવામાં આવે તો શરીરની તમામ બીમારીઓ સરળતાથી જાણી શકાય છે. આ દાવા બાદ રોકાણકારોએ હોમ્સના સ્ટાર્ટઅપ પર ભારે હોડ લગાવી અને તેમને બમ્પર રોકાણ મળ્યું હતું. જો કે, બાદમાં આ તમામ વાતો ખોટી હોવાનું બહાર આવતા મામલો કોર્ટમાં ગયો હતો. આ કેસ ઘણા વર્ષો સુધી ચાલ્યો અને પછી આ વર્ષે જાન્યુઆરીમાં સજા સંભળાવવામાં આવી હતી.
એલિઝાબેથ હોમ્સે ૨૦૦૩માં ૧૯ વર્ષની ઉંમરે થેરાનોસની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેને સિલિકોન વેલીમાં ઘણી પ્રશંસા મળી હતી. હોમ્સ ખૂબ જ ઓછા સમયમાં વિશ્વની સૌથી નાની ઉંમરની અબજોપતિ મહિલા બની ગઈ હતી. તમને જણાવી દઈએ કે, જેલની સજા સાંભળ્યા બાદ હોમ્સે તેના પતિ બિલી ઈવાન્સને ગળે લગાવ્યા અને ભાવુક થઈ ગયા હતા. કોર્ટમાં રડતા હોમ્સે કહ્યું કે, જો તેને તક મળી હોત તો તેમએ ઘણી વસ્તુઓ ખૂબ જ અલગ રીતે કરી હોત. મેં ઘણા લોકોને નિરાશ કર્યા છે. લોકોને જે સહન કરવું પડ્યું તેના માટે શરમ અનુભવું છું.