વોશિગ્ટન,ઇઝરાઇલના એરફોર્સ ચીફ હેરજી હાલેવીએ સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ ઈરાન પર હુમલો કરવા માટે તૈયાર છે. હેરજીના કહેવા પ્રમાણે, ઈરાન પર હુમલા વખતે અમેરિકા મદદ કરે કે ન કરે તેની અમને કોઈ ચિંતા નથી, જો તે સાથ નહીં આપે તો અમે એકલા જ ઈરાનને એટમી હથિયાર બનાવવાથી રોકી શકીએ છીએ.
ઈઝરાઇલનો આરોપ છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની નજીક જઈ રહ્યું છે. જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવામાં સફળ થાય છે તો તેનાથી ઈઝરાઇલની સાથે અનેક આરબ દેશોની સુરક્ષા માટે ખતરો ઉભો થશે. તેથી ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શક્તિ બનતા અટકાવવું જરૂરી છે.
ઇઝરાઇલના આર્મી રેડિયોને આપેલાં ઇન્ટરવ્યુમાં એરફોર્સ ચીફે કહ્યું- અમે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમારી પાસે એટલી શક્તિ છે કે અમે હજારો કિલોમીટર દૂર કોઈપણ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડી શકીએ છીએ. અમે એવી ક્ષમતા મેળવી લીધી છે કે અમે દૂરથી કોઈપણ લક્ષ્યને નિશાન બનાવી શકીએ છીએ. લક્ષ્ય કેટલું દૂર અથવા કેટલું નજીક છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
અન્ય એક પ્રશ્ર્નના જવાબમાં ઈઝરાઇલના વાયુસેના પ્રમુખે કહ્યું- અમે સારી રીતે જાણીએ છીએ કે એકલાં હાથે હુમલો કરી રીતે કરી શકાય છે અને તેમાં સફળતા પણ કેવી રીતે મેળવી શકાય છે. જો અમેરિકા આ મિશનમાં અમારી સાથે જોડાય તો સારું રહેશે. જો તે તેમાં ભાગ ન લે તો પણ કોઈ વાંધો નથી, ઈઝરાઇલ પાસે પોતાના બળે આવા મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવાની શક્તિ છે.
હાલ, ઈઝરાઇલ અને ઈરાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે ઈઝરાઇલની વાયુસેનાએ સીરિયા પર હુમલો કર્યો અને તેમાં ઈરાનના કેટલાક સૈનિકો માર્યા ગયા. બીજી તરફ ઈઝરાઇલને પ્રશ્ર્ન છે કે ઈરાની સૈનિકો સીરિયામાં કયા હેતુથી હાજર હતા. ઈરાની સરકાર કે સેનાએ એ નથી જણાવ્યું કે ઈરાની સૈનિકો સીરિયામાં શું કરી રહ્યા છે, પરંતુ નિશ્ર્ચિતપણે ધમકી આપી છે કે આ હુમલાનો બદલો લેવામાં આવશે. તહેરાને કહ્યું- જો ઈઝરાઇલ હુમલો કરી શકે છે તો અમે પણ સક્ષમ છીએ. જવાબ ચોક્કસપણે યોગ્ય સમયે આપવામાં આવશે.બીજી તરફ આ મામલે અમેરિકા હજુ પણ મૌન છે. જો બાઇડને કહ્યું છે કે ઈરાનને રાજદ્વારી રીતે પરમાણુ હથિયારો પ્રાપ્ત કરવાથી રોકી શકાય છે. જોકે, ઈઝરાઇલ આ વાત સાથે સહમત નથી.
ઈઝરાઇલના મંત્રીના નિવેદનને અમેરિકાની જો બાઇડેન સરકાર માટે એક મેસેજ માનવામાં આવ્યો હતો. હકીક્તમાં ૨૦૧૫માં બરાક ઓબામાના સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર થયો હતો. જ્યારે ટ્રમ્પ ૨૦૧૭માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે આ કરાક રદ્દ કરી દીધો. હવે બાઇડેન ફરીથી ઈરાન સાથે ડીલની વાત કરી રહ્યા છે, જ્યારે ઈઝરાઇલે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કોઈ સમજૂતી કરી શકાય નહીં.
હેંગ્બીનું નિવેદન આ દૃષ્ટિકોણથી પણ મહત્ત્વનું હતું, કારણ કે તેઓ અગાઉ ગૃહ પ્રધાન, લશ્કરી ગુપ્તચર વડા અને ગુપ્તચર સંસ્થા મોસાદનું નેતૃત્વ કરી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પણ મોસાદને સલાહ આપે છે.