- ઈમરાને દાવો કર્યો હતો કે પાકિસ્તાન આર્મી તેને મારવા માંગે છે.
ઈસ્લામાબાદ,પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાં હોવાથી અમેરિકા ચિંતાતુર છે. અમેરિકાએ જેલમાં બંધ ઈમરાન ખાન સહિત દેશના તમામ કેદીઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે એક પ્રેસ કોન્ફરન્સમાં યુએસ એમ્બેસેડર ડોનાલ્ડ બ્લોમ અને વિપક્ષી નેતા ઓમર અયુબ ખાન સહિત પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતાઓ વચ્ચેની બેઠકનો સ્વીકાર કર્યો હતો.
મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે અમેરિકી રાજદૂતે વિપક્ષી નેતા અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અન્ય વરિષ્ઠ સભ્યો સાથે ઇસ્લામાબાદને સતત યુએસ આથક સમર્થન સહિત દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો મહત્વપૂર્ણ છે.
ડૉન ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ૭૧ વર્ષીય ખાન વિરુદ્ધ ’બનાવટી’ આરોપોના દાવા અંગે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતાઓ સાથે મિલરની વાટાઘાટો દરમિયાન અમેરિકાએ તટસ્થ વલણ જાળવવાના તેના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો છે. યુ.એસ.એ કહ્યું, અમારી સ્થિતિ એ જ છે કે અમે પાકિસ્તાનમાં ચૂંટણી પર કોઈ પોઝિશન લેતા નથી. મિલરે પણ રાજકીય પક્ષો પ્રત્યે નિષ્પક્ષતા જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઈમરાન ખાને જેલમાંથી એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે સેના પર ખૂબ જ સનસનાટીભર્યા આરોપ લગાવ્યા હતા. ઈમરાને દાવો કર્યો હતો કે પાકિસ્તાન આર્મી તેને મારવા માંગે છે. ખાને કહ્યું હતું કે દેશની સ્થિતિ એટલી ભયાનક છે કે તેમના જેવા નેતા જેલમાં છે. તેમને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં રાખવામાં આવ્યા છે. ખાને પત્રમાં લખ્યું હતું કે, મિલિટરી એસ્ટિબ્લિશમેન્ટે મારા વિરૂદ્ધ તેઓ કરી શકે તે બધું કર્યું. હવે મને મારવાનું બાકી છે.’’ તેણે લખ્યું, ’’મેં જાહેરમાં કહ્યું છે કે જો મને અથવા મારી પત્ની (બુશરા બીબી)ને કંઈ થશે તો જનરલ અસીમ મુનીર જવાબદાર હશે, હું ડરતો નથી. કારણ કે મારો વિશ્ર્વાસ મજબૂત છે. હું ગુલામી કરતાં મૃત્યુને પસંદ કરીશ.