રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત છે. અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો ડર છે. આ જ કારણ છે કે જો બાઈડને અમેરિકન દળોને પરમાણુ મિસાઈલ તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. આ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને માર્ચમાં જ એક અત્યંત ગુપ્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં અમેરિકાની પરમાણુ રણનીતિમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જે ન્યુક્લિયર એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ તરીકે ઓળખાય છે. મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
અમેરિકાને ડર છે કે ચીન, રશિયા અને ઉત્તર કોરિયાની આ ત્રિપુટી ગમે ત્યારે અમેરિકા પર પરમાણુ બોમ્બ વરસાવી શકે છે. તેથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકી દળોને સંભવિત પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. અમેરિકાની પરમાણુ વ્યૂહરચના યોજના હેઠળ અમેરિકાએ પ્રથમ વખત પોતાની વ્યૂહરચના બદલી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ ચીનના વધતા પરમાણુ હથિયારોના ભંડારને કારણે સંભવિત ખતરાને યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
અમેરિકા માને છે કે ચીનના પરમાણુ હથિયારો આગામી દાયકામાં અમેરિકાને ટક્કર આપી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકાને માત્ર ચીન, રશિયા અને ઉત્તર કોરિયાથી પરમાણુ યુદ્ધનો ખતરો છે. તેમાં પણ અમેરિકાની સૌથી મોટી ચિંતા ચીન છે.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે અમેરિકા અને ચીન વચ્ચે તૂતૂમેમે ચાલુ થઈ છે. ચીનને પરમાણુ ખતરો ગણાવવામાં આવતા બેઇજિંગે આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે સમગ્ર વિશ્ર્વમાં પરમાણુ ખતરાનો મુખ્ય સ્ત્રોત અમેરિકા જ છે. ચીને અમેરિકાની ટીકા કરતા કહ્યું છે કે અમેરિકા ચીનના પરમાણુ ખતરાને વારંવાર વાગોળી રહ્યું છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે વિશ્ર્વ માટે સૌથી મોટો પરમાણુ ખતરો પોતે જ છે.
ચીને કહ્યું કે, અમેરિકા પોતાના પરમાણુ શાગારને વધારી રહ્યું છે. અમેરિકા તેના પરમાણુ શસ્ત્રાગાર ને જાળવી રાખવાના બહાના તરીકે વારંવાર ચીનનું નામ લે છે. અમેરિકા દુનિયામાં સૌથી શક્તિશાળી બનવા માંગે છે, જેથી તે દુનિયાભરના દેશોને કોઈ પણ જાતના ડર વગર અને પોતાની મરજીથી ધમકી આપી શકે અને દબાણ કરી શકે. અમેરિકા આ બધું પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે કરી રહ્યું છે.
હવે સવાલ એ થાય છે કે શું અમેરિકા કેટલું સાચું છે ? શું ચીન ખરેખર તેના પરમાણુ શસ્ત્રાગારમાં વધારો કરી રહ્યું છે ? તો જવાબ છે હા. જો બાઈડેનનો ડર કારણ વગરનો નથી. હકીક્તમાં ચીન તેના પરમાણુ હથિયારને ખૂબ જ ઝડપથી વધારી રહ્યું છે. આ વર્ષે પરમાણુ હથિયારોની તેની ઝડપે સમગ્ર વિશ્ર્વને આશ્ર્ચર્યમાં મૂકી દીધું છે. હકીક્તમાં પરમાણુ બોમ્બ મામલે ચીનની ગતિ જોઈને અમેરિકા ટેન્શનમાં છે.
અમેરિકાનો ડર એટલા માટે વધી ગયો છે, કારણ કે તાજેતરમાં રશિયા અને ચીને સાથે મળીને પરમાણુ બોમ્બ અંગેનો યુદ્ધાભ્યાસ કર્યો છે. પહેલીવાર ચીન અને રશિયા એક્સાથે પરમાણુ બોમ્બ કેવી રીતે ફેંકવા તે અંગેનો હવાઈ યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. આ યુદ્ધાભ્યાસ અમેરિકાના અલાસ્કા નજીક ઉત્તર પેસિફિકમાં કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, નોર્થ કોરિયા પણ પરમાણુ બોમ્બ કેવી રીતે ફેંકવા તે અંગેની પ્રેક્ટિસ કરી રહ્યું છે, તેથી અમેરિકાનું ટેન્શન વધી ગયું છે. પરમાણુ હથિયારોને ઘટાડવા અને ખતમ કરવા માટે સમગ્ર વિશ્ર્વમાં અભિયાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં જો ચીન પોતાના હથિયારોનો ભંડાર વધારશે તો તેનાથી વિશ્ર્વને મુશ્કેલી થશે. કારણ કે ચીન ઝડપથી પરમાણુ હથિયારો વધારી રહ્યું છે.