અમેરિકાનું જાહેર દેવું પહેલીવાર ૩૫ ટ્રિલિયન ડોલરને આંબી ગયું

જુલાઈ મહિનાના છેલ્લા વીકમાં અમેરિકાનું જાહેર દેવું પહેલીવાર ૩૫ ટ્રિલિયન ડોલરને આંબી ગયું હતું. જુલાઈ ૨૦૨૪ના અંદાજ અનુસાર અમેરિકાની ઈકોનોમીની સાઈઝ ૨૮.૭૯ ટ્રિલિયન ડોલર હતી, જ્યારે તેના પરનું દેવું ૩૫ ટ્રિલિયન ડોલર છે. બજેટ ઓફિસના એક અનુમાન અનુસાર ૨૦૨૪માં અમેરિકા માત્ર વ્યાજ પેટે જ ૮૯૨ અબજ ડોલર ચૂકવશે, જ્યારે ૨૦૩૪ સુધીમાં આ આંકડો વધીને ૧.૭ ટ્રિલિયન ડોલર પર પહોંચી જશે.

અમેરિકા હાલના સમયમાં જેટલો ખર્ચો મેડિકેર પર કરે છે તેટલો જ ખર્ચો તેને ૨૦૩૪ સુધીમાં દેવાનું વ્યાજ ભરવામાં કરવો પડશે. અમેરિકા પર હાલ જે દેવું છે તેને જો દેશની વસ્તીમાં વિભાજિત કરીએ તો હાલ દેશના પ્રત્યેક નાગરિક પર ૧,૦૪,૪૯૭ ડોલરનું જ્યારે પ્રત્યેક કુટુંબ પર ૨,૬૬,૨૭૫ ડોલરનું દેવું છે. એટલું જ નહીં, હાલની સ્થિતિએ અમેરિકામાં જન્મતું દરેક બાળક પેદા થાય તે સાથે જ તેના પર ૪,૮૩,૮૮૯ ડોલરનું દેવું હોય છે. છેલ્લા ૧૨ મહિનામાં જ અમેરિકાનાં દેવામાં ૨.૩૫ ટ્રિલિયન ડોલરનો જંગી વધારો થયો છે.

અમેરિકાનું દેવું જે સ્પીડે વધી રહ્યું છે તેને સાદી ભાષામાં સમજીએ તો આ દેશ દર મહિને ૧૯૬ અબજ ડોલરનું દેવું કરે છે, જ્યારે તેનું રોજનું દેવું ૬.૪ અબજ ડોલર છે. તેને જો કલાકમાં ડિવાઈડ કરીએ તો આ આંકડો ૨૬૮ મિલિયન ડોલર થાય, મતલબ કે અમેરિકા જેવો જગત જમાદાર દેશ દર મિનિટે ૪.૫ મિલિયન અને દર સેક્ધડે ૭૪,૪૦૧ ડોલરનું દેવું કરે છે. અમેરિકન સરકારની બજેટ કમિટિએ પોતાની વેબસાઈટ પર દેશનું રિયલ ટાઈમ દેવું દર્શાવતું એક ડેશબોર્ડ પણ મૂક્યું છે, જેમાં જોઈ શકાય છે કે દર સેક્ધડે અમેરિકાના માથે કેટલું દેવું ઉમેરાતું જાય છે.

અમેરિકામાં ચૂંટણીને હવે ૧૦૦ દિવસની વાર છે, પરંતુ ત્યાં સુધીમાં દેશના માથે વધુ એક ટ્રિલિયન ડોલરનું દેવું થઈ ચૂક્યું હશે. અમેરિકામાં ભલે ટેક્સ કે પછી ખર્ચાઓ અંગે રાજકીય કુશ્તી ચાલતી હોય, પરંતુ હકીક્ત એ છે કે દેશનું દેવું ઈકોનોમિસ્ટ્સના ધાર્યા કરતા વધારે ઝડપથી વધી રહ્યું છે, જેનું એક કારણ ફેડરલ પ્રોગ્રામ્સ પાછળના ખર્ચામાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલો બેફામ વધારો પણ છે. જોકે, હાલ અમેરિકાના આગામી પ્રેસિડેન્ટ બનવા માટે દિવસ-રાત પ્રચાર કરી રહેલા કમલા હારિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ દેશના વધતા દેવા અંગે ભાગ્યે જ કંઈ બોલી રહ્યા છે.

જે સ્પીડમાં અમેરિકાનું દેવું વધી રહ્યું છે તેને જોતા આગામી દિવસોમાં દેશની આથક સમસ્યાઓ પણ વધવાની પૂરી શક્યતા છે. પોલિસી પ્રાયોરિટીઝને લઈને રિપબલ્ક્ધિસ અને ડેમોક્રેટ્સ વચ્ચેના મતભેદો ઉપરાંત સોશિયલ સિક્યોરિટી અને મેડીકેર પાછળ થઈ રહેલા જંગી ખર્ચાને કારણે અમેરિકા માટે દેવું ઘટાડવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે.

સત્તા મળતા જ ટેક્સ અને દેવું બંને ઘટાડવાની વાતો કરતા ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં ૮.૪ ટ્રિલિયન ડોલરનું વધારાનું દેવું કરવાને મંજૂરી આપી હતી જ્યારે બાઈડનના અત્યારસુધીના કાર્યકાળ દરમિયાન આ આંકડો ૪.૩ ટ્રિલિયન ડોલર જેટલો રહ્યો છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેરમાયા એમ. એડવર્ડ્સે સોમવારે જણાવ્યું હતું કે, રિપબ્લિક્ધસ સોશિયલ સિક્યોરિટી, મેડીકેર અને અફોર્ડેબલ કેર એક્ટમાં કાપ મૂકીને ટેક્સ કટ દ્વારા પાંચ ટ્રિલિયન ડોલરની રાહત આપવા માગે છે જેનાથી અમેરિકાનું દેવું ઓછું થવાને બદલે વધશે. આ મામલે બાઈડન સરકારનું વલણ સ્પષ્ટ કરતા વ્હાઈટ હાઉસે એમ પણ કહ્યું હતું કે બિલિયનેર્સ અને મોટી કોર્પોરેટ કંપનીઓ પર ટેક્સ વધારવાની સાથે સ્પેશિયલ ઈન્ટરેસ્ટ્સ પર ખર્ચા ઓછા કરી સરકાર દેવામાં ત્રણ ટ્રિલિયન ડોલરનો ઘટાડો કરવા માંગે છે.