
અમેરિકાએ એપોલો મિશનના 51 વર્ષ બાદ સોમવારે પ્રથમ ચંદ્ર લેન્ડર (moon lander) ચંદ્ર પર જવા રવાના કર્યું હતું જે ટેક્નિકલ ખામીને કારણે નિષ્ફળ ગયું છે. એસ્ટ્રોબોટિક ટેકનોલોજી કંપનીએ આ કોર્મિશયલ ચંદ્ર મિશન મોકલ્યું હતું પરંતુ ટેક્નિકલ ખામીને કારણે કંપનીએ ચંદ્ર પર લેન્ડ કરવાના તેના પ્રયાસમાંથી પીછેહઠ કરી હતી.
આ પછી નાશા (NASA)એ પણ તેના ચંદ્ર મિશનને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ અંગે લેન્ડર એસ્ટ્રોબોટિક ટેક્નોલોજી કંપની (Astrobotic Technology Company)એ જણાવ્યું હતું કે સોમવારે યુનાઇટેડ લોંચ એલાયન્સનું રોકેટ વલ્કન લેન્ડર સાથે ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી જે 23 ફેબ્રુઆરીએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું, પરંતુ ઉડાન ભર્યાના લગભગ સાત કલાક બાદ લેન્ડરમાં ઈંધણ લીકેજ (Fuel leak)ને કારણે કંપનીએ ચંદ્ર પર લેન્ડ કરવાના તેના પ્રયાસમાંથી પીછેહઠ કરી હતી. એસ્ટ્રોબોટિક ટેક્નોલોજીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે કે રોકેટનું એન્જિન ખરાબ થઈ ગયું છે જેનાથી મિશનની નિષ્ફળતાનું જોખમ વધી ગયું છે તેમજ કંપનીએ સ્પષ્ટ કર્યું હતું કે ચંદ્ર પર લેન્ડરના સોફ્ટ લેન્ડિંગની કોઈ શક્યતા નથી. મળતી માહિતી મુજબ રોકેટમાં માત્ર 40 કલાકનું ઈંધણ બચ્યું છે.
અમેરિકાના આ પ્રાઈવેટ ચંદ્ર મિશન માટે નાસાએ કંપનીને 100 મિલિયન ડોલરથી વધુ ચૂકવ્યા હતા. એસ્ટ્રોબોટિકના ચીફ એક્ઝિક્યુટિવ જોન થોર્ન્ટને એક નિવેદનમાં કહ્યું હતું કે આપણે ચંદ્ર તરફ જઈ રહ્યા છીએ! જો આ મિશન સફળ થશે, તો તે ખાનગી કંપની દ્વારા ચંદ્ર પર પ્રથમ સોફ્ટ લેન્ડિંગ પણ હશે. ઉલ્લેખનીય છે કે નાસાએ આ વર્ષના અંતમાં ચંદ્ર પર ચાર અવકાશયાત્રીઓને મોકલવાની યોજના બનાવી હતી, પરંતુ ચંદ્ર પર મનુષ્યને ઉતારવાની યોજના હવે 2026 સુધી પાછળ ધકેલી દેવામાં આવી છે. આ સાથે જ અવકાશયાત્રીઓએ ચંદ્ર પર જવા માટે હજુ થોડા વર્ષો રાહ જોવી પડશે.