અમેરિકાની વિનાશક નીતિથી દુનિયા આપત્તિના આરે છે : રશિયાના વિદેશ મંત્રી

નવીદિલ્હી,

જી-૨૦ દેશોના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ મંગળવારે રાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક યોજે તેવી શક્યતા છે અને આ દરમિયાન બંને પક્ષો દ્વારા દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા થવાની અપેક્ષા છે.

રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે એકીકૃત એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે ભારતના જી૨૦ પ્રમુખપદની પ્રતિબદ્ધતાને સમર્થન આપીએ છીએ જે બહુપક્ષીય મુત્સદ્દીગીરીમાં વિશ્ર્વાસ પુન:સ્થાપિત કરશે અને વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાના વિભાજનને અટકાવશે. તેમણે કહ્યું કે યુએસ અને તેના સહયોગીઓની વિનાશક નીતિએ વિશ્ર્વને આપત્તિના આરે લાવી દીધું છે, સામાજિક-આર્થિક વિકાસને પાછળ ધકેલી દીધો છે અને સૌથી ગરીબ દેશોની સ્થિતિ ગંભીર રીતે ખરાબ કરી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે આખું વિશ્ર્વ ગેરકાયદેસર પ્રતિબંધો, ક્રોસ બોર્ડર સપ્લાય ચેઇનના કૃત્રિમ ભંગાણ, કુખ્યાત ભાવ કેપિંગ અને કુદરતી સંસાધનોની વાસ્તવિક ચોરીના પ્રયાસોથી પીડાય છે. રશિયા અને ભારતના વિદેશ મંત્રાલયોના વડા, સર્ગેઈ લવરોવ અને ડૉ. એસ. જયશંકર, મુખ્ય ક્ષેત્રોમાં સહકારને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. આ સાથે, યુક્રેનમાં સ્થાનિક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની સ્થિતિ, અફઘાનિસ્તાનની સ્થિતિ, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા આકટેક્ચરના નિર્માણ પરના મૂલ્યાંકન પર પણ ચર્ચા કરવામાં આવશે.

અમેરિકાના વિદેશ સચિવ એન્ટોની બ્લિંકન, ફ્રાન્સના કેથરિન કોલોના, ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ, જર્મનીના અન્નાલેના બિઅરબોક અને બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી પણ ભારત દ્વારા યોજાનારી બેઠકમાં ભાગ લેવાના છે. યુરોપિયન યુનિયનના વિદેશ બાબતોના ઉચ્ચ પ્રતિનિધિ જોસેપ બોરેલ ફોન્ટેલેસ, ઇટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો ત્ઝાન, ઓસ્ટ્રેલિયાના પેની વોંગ, સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન, ઈન્ડોનેશિયાના રેત્નો માર્સુદી અને આર્જેન્ટિનાના વિદેશ મંત્રી સેન્ટિયાગો કેફિરો આ બેઠકમાં ભાગ લેનારાઓમાં સામેલ છે.