અમેરિકાએ ભારતીય વિદેશ મંત્રાલયના કડક વાંધા અને ત્યાં સુધી કે તેને રાજકીય ફટકાર લગાવ્યા બાદ પણ જે રીતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ફરીથી ટિપ્પણી કરી અને કોંગ્રેસનાં ખાતાં ફ્રીજ કરવા પર પણ ચિંતા વ્યક્ત કરી, તેનાથી જો કંઈ સ્પષ્ટ છે તો એ જ કે તે ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાની પોતાની ખરાબ આદત છોડવાનું નથી. તે એની જાણીજોઈને અવગણના કરી રહ્યું છે કે કેજરીવાલને ત્યારે ધરપકડ કરવામાં આવી, જ્યારે હાઇકોર્ટે પણ તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો. એ જ રીતે એ પણ કોઈથી છૂપું નથી કે આવકવેરા વિભાગની કાર્યવાહી પર કોંગ્રેસને હાઇકોર્ટમાંથી કોઈ રાહત ન મળી. થોડા દિવસ પહેલાં જર્મનીના રાજદ્વારીએ પણ કેજરીવાલની ધરપકડને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ભારતે તેમને પણ ખરીખોટી સંભળાવી દેવામાં સંકોચ નહોતો રાખ્યો. જર્મની તો લાઈન પર આવી ગયું કે તેણે પોતાની હદ પાર કરી, પરંતુ અમેરિકા પોતાની હદમાં રહેવા તૈયાર નથી દેખાતું. તેને કદાચ ગમ્યું નહીં હોય કે આખરે ભારતે તેના રાજદ્વારીને બોલાવીને ઝાટક્યા કેવી રીતે અને એટલે જ ભારતની આંતરિક બાબતમાં ફરીથી ટિપ્પણી કરી દીધી. આ બીજું કશું નહીં, તેનો શ્રેષ્ઠતા બોધ છે. આ શ્રેષ્ઠતા બોધે હવે અહંકારનું રૂપ લઈ લીધું છે.
દુનિયાનું કોઈપણ લોક્તંત્ર દોષરહિત નથી અને તેમાં અમેરિકા પણ સામેલ છે. એવામાં તેણે કે કોઈ બીજાએ બીજા લોક્તાંત્રિક દેશને સલાહ આપતાં પહેલાં પોતાનું ઘર સુધારી લેવું જોઇએ. જેવા શ્રેષ્ઠતા બોધથી અમેરિકા ગ્રસ્ત છે, એવા જ પશ્ર્ચિમના અન્ય દેશો પણ છે. જો અમેરિકા પોતાની આદત નથી છોડતું તો પછી ભારત માટે પણ એ યોગ્ય રહેશે કે તે તેના આંતરિક મામલે પ્રતિક્રિયા આપતું રહે. કેમ સે કમ ભારતીયોના હિત સાથે જોડાયેલા મામલે તો દખલ કરવી જ જોઇએ. છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકામાં ભારતના નવ વિદ્યાર્થીઓની હત્યા થઈ છે. શું એ યોગ્ય નથી કે ભારત અમેરિકાને ખખડાવે કે તે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર નથી? આ જ રીતે ભારતે એટલું તો ચોક્કસ કહેવું જોઇએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ખાલિસ્તાની આતંકીઓને પોષવાનું બંધ કરે. અમેરકા એક તરફ તો અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઝંડાબરદાર બને છે અને બીજી તરફ વિકિલીક્સના જુલિયન અસાંજેને બ્રિટનથી લાવીને દંડ આપવા તત્પર છે, કારણ કે તેમણે તેનાં કાળાં કારનામાં ઉઘાડાં પાડી દીધાં હતા. અમેરિકા કઈ રીતે બેવડાં ધોરણો અપનાવે છે તેનું એક ઉદાહરણ નાગરિક્તા સંશોધન કાયદો એટલે કે સીએએ પર તેના વાંધાથી પણ મળે છે. ખુદ તેણે સીએએ જેવા કાયદા બનાવેલા છે, પરંતુ તેને ભારતના કાયદામાં વાંધો પડે છે.