
વોશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાની જ રિપબ્લિકન પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પ યુગ હવે અંતની અણીએ પહોંચી ગયો છે. તાજેતરમાં યોજાયેલી મધ્યસત્રની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન, નિવેદનબાજી અને કોર્ટ કેસમાં ફસાયેલા હોવાને લીધે ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ પોતાની જ પાર્ટીમાં તળીયે પહોંચી ગયો છે. જોકે ટ્રમ્પે ૨૦૨૪ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગત મહિને જ પોતાની દાવેદારીની જાહેરાત કરી હતી.
રિપબ્લિકન પાર્ટીના સુપ્રીમો વિશે થયેલા એક સરવેમાં ચોંકાવનારાં પરિણામો સામે આવ્યાં હતાં. સફોફ યુનિવર્સિટી અને યુએસએ ટુડેના સરવેમાં રિપબ્લિકન પાર્ટીના ૬૫% વોટરોએ ટ્રમ્પની તુલનાએ લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસને પહેલી પસંદ ગણાવ્યા છે. સીએનએનના એક સરવે મુજબ રિપબ્લિકન પાર્ટીના ૬૨% વોટરોએ ૨૦૨૪ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પની જગ્યાએ કોઈ બીજા ચહેરાને ઉમેદવાર બનાવવાને સમર્થન આપ્યું છે. પોતાની જ પાર્ટીમાં લોકપ્રિયતા ઘટવાનો દોર ટ્રમ્પે પણ પહેલીવાર જોયો છે. રોન ડિસેન્ટિસ તેમની કન્ઝર્વેટિવ નીતિઓને કારણે રિપબ્લિકન વોટરો વચ્ચે સતત પકડ મજબૂત કરી રહ્યા છે. જેના લીધે ૫ વર્ષ સુધી પાર્ટીમાં એકચક્રી શાસન કરનારા ટ્રમ્પનો ગ્રાફ હવે ગગડતો જઈ રહ્યો છે.
લોરિડાના ગવર્નર ડિસેન્ટિસની વોટબેક્ધ મધ્યસત્રની ચૂંટણી બાદ પાર્ટીમાં બમણી થઈ છે. રિપબ્લિકન વોટરો કહે છે કે પાર્ટીના ઉમેદવારો યુવા અને ઊર્જાવાન હોવા જોઈએ. ટ્રમ્પના એક વરિષ્ઠ સહયોગીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે ટ્રમ્પે રણનીતિ બદલવી પડશે.
રિપબ્લિકન પાર્ટીના મોટા ભાગના વોટરોએ ટ્રમ્પની નીતિઓને ટેકો આપ્યો છે પણ ૨૦૨૪માં તે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પને સમર્થન કરવા માગતા નથી. સફોફ યુનિવર્સિટી ના ડેવિડ પેલિયોલોગસે કહ્યું કે કેપિટલ હિંસાથી ટ્રમ્પને નુક્સાન થયું. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અમિત મહેતાએ કેપિટલ હિંસા મામલે ટ્રમ્પને પોતાના સમર્થકોને ભડકાઉ ભાષણ આપવા માટે દોષિત ઠેરવ્યા હતા. ૧૧૨ પાનાના ચુકાદામાં જજ મહેતાએ કહ્યું હતું કે ટ્રમ્પે જાણી જોઈને તેમના સમર્થકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા.