અમેરિકાના ન્યૂયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથ વચ્ચે ગોળીબાર, એકનું મોત

ન્યુયોર્ક,અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઈ રહી. અમેરિકાના ન્યુયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતી જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઘટના સોમવારે બની હતી, હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમેરિકામા છેલ્લા કેટલાય સમયથી ગોળીબારની ઘટના બની રહી છે અને તેમા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારે વધુ એકવાર ગોળીબારની ઘટના બની હતી. ન્યૂયોર્કના બ્રોક્ધ્સ કન્ટ્રીના સબવે સ્ટેશન પર ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને ટાંકીને સમાચાર એજન્સીએ સોમવારે સાંજે આ ઘટનાની જાણકારી આપી હતી. હુમલાનું કારણ જાણી શકાયું નથી. હાલ આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.

સુત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, સોમવારે સાંજે લગભગ ૪:૩૦ વાગ્યે (સ્થાનિક સમય), અધિકારીઓએ માઉન્ટ ઈડન એવેન્યુ સ્ટેશન પર ગોળીબારની ઘટના અંગે ૯૧૧ પર આવેલા કોલનો જવાબ આપ્યો હતો. આ ઘટનામાં છ લોકોને ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું હતું. ન્યૂયોર્ક સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રાન્ઝિટ ચીફ માઈકલ એમ. કેમ્પરે સોમવારે રાત્રે મીડિયા બ્રીફિંગમાં પત્રકારોને આ માહિતી આપી હતી.