અમેરિકામાં નવા નાગરિકોનો બીજો સૌથી મોટો સ્ત્રોત બન્યો ભારત, ૨૦૨૨માં લગભગ ૬૬ હજાર ભારતીયોને નાગરિક્તા મળી

નવીદિલ્હી, યુએસ સંસદીય અહેવાલ મુજબ, ૨૦૨૨ માં ૬૫,૯૬૦ ભારતીયો સત્તાવાર રીતે યુએસ નાગરિક બન્યા છે. આ સાથે, મેક્સિકો પછી, ભારત હવે અમેરિકા માટે નવા નાગરિકોનો બીજો સૌથી મોટો સ્ત્રોત બની ગયો છે. ૨૦૨૨ સુધીમાં, ૪૬ મિલિયન વિદેશી મૂળના નાગરિકો અમેરિકામાં રહેતા હતા, જે ૩૩૩ મિલિયનની વસ્તી સાથે દેશના ૧૪ ટકા છે.૧૫ એપ્રિલની તાજેતરની યુએસ નેચરલાઈઝેશન પોલિસી રિપોર્ટ અનુસાર, ૯૬૯,૩૮૦ લોકો નાણાકીય વર્ષ ૨૦૨૨માં નેચરલાઈઝ્ડ યુએસ નાગરિક બન્યા. અમેરિકામાં નિયમો અનુસાર નાગરિક્તા મેળવવાના મામલે મેક્સિકો પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ભારત, ફિલિપાઇન્સ, ક્યુબા અને ડોમિનિકન રિપબ્લિકના લોકો આવે છે.

તાજેતરના સીઆરએસ રિપોર્ટ અનુસાર, ૨૦૨૨માં ૧,૨૮,૮૭૮ મેક્સિકન લોકોને યુએસ નાગરિક્તા આપવામાં આવી હતી. તેમના સિવાય ભારતના ૬૫,૯૬૦ નાગરિકો, ફિલિપાઈન્સના ૫૩,૪૧૩ નાગરિકો, ક્યુબાના ૪૬,૯૧૩ નાગરિકો, ડોમિનિકન રિપબ્લિકના ૩૪,૫૨૫ નાગરિકો, વિયેતનામના ૩૩,૨૪૬ નાગરિકો અને ચીનના ૨૭,૦૩૮ નાગરિકોને અમેરિકન નાગરિક્તા આપવામાં આવી હતી. ઝ્રઇજી રિપોર્ટ અનુસાર, ૨૦૨૩ સુધીમાં, યુએસમાં વિદેશી મૂળના નાગરિકોમાં ૨૮,૩૧,૩૩૦ લોકો ભારતના હતા. તમને જણાવી દઈએ કે મેક્સિકો (૧,૦૬,૩૮,૪૨૯) પછી આ બીજો સૌથી મોટો નંબર છે. આ સિવાય ૨૨,૨૫,૪૪૭ લોકો ચીનના છે.

રિપોર્ટ અનુસાર અમેરિકામાં રહેતા કુલ ભારતીય મૂળના ૪૨ ટકા લોકો હાલમાં અમેરિકન નાગરિક્તા માટે અયોગ્ય છે. ૨૦૨૩ સુધીમાં, આશરે ૨૯૦,૦૦૦ ભારતીય મૂળના વિદેશી નાગરિકો કે જેઓ યુએસમાં ગ્રીન કાર્ડ પર હતા તેઓ હવે નાગરિક્તા માટે પાત્ર છે. કેટલાક નિષ્ણાતોએ યુએસ ઇમિગ્રેશન વિભાગ દ્વારા નાગરિક્તા અરજીઓની પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

રિપોર્ટ અનુસાર, હોન્ડુરાસ, ગ્વાટેમાલા, વેનેઝુએલા, મેક્સિકો, અલ સાલ્વાડોર અને બ્રાઝિલના વિદેશી મૂળના લોકોને પ્રાકૃતિક નાગરિક્તા મળવાની ટકાવારી ઘણી ઓછી છે. તે જ સમયે, વિયેતનામ, ફિલિપાઇન્સ, રશિયા, જમૈકા અને પાકિસ્તાનમાંથી વિદેશી જન્મેલા શરણાર્થીઓને નિયમો અનુસાર નાગરિક્તા મળવાની ટકાવારી ઘણી વધારે છે.