મેસાચ્યુસેટ્સ,
અમેરિકાના મેસાચ્યુસેટ્સમાં વેલેસ્લી બિઝનેસ સ્કૂલમાં ભારતીય મૂળના એક એસોસિએટ પ્રોફેસરે કેસ દાખલ કર્યો છે જેમાં આરોપ લગાવ્યો છે કે તેમની સાથે જાતીય અને લૈંગિક ભેદભાવ કરાયો છે. એક અહેવાલમાં આ દાવો કરાયો હતો. એક અહેવાલ અનુસાર બોબસન કોલેજમાં આંત્રપ્રિન્યોરશિપના એસોસિએટ પ્રોફેસર લક્ષ્મી બાલચંદ્રએ આરોપ મૂક્યો હતો કે કોલેજ તંત્ર દ્વારા તેમની ફરિયાદો પર ધ્યાન જ અપાઈ રહ્યું નથી. જેના લીધે તેમણે પોતાની કારકિર્દીમાં અનેક અવસર ગુમાવ્યા અને તેનાથી તેમને આર્થિક નુક્સાન તો થયું જ પણ સાથે તેમની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હતી.
લક્ષ્મી બાલચંદ્ર બોબસન કોલેજ સાથે ૨૦૧૨માં જોડાયા હતા. તેમણે પ્રોફેસર અને કોલેજના આંત્રપ્રિન્યોરશિપ વિભાગના પૂર્વ અયક્ષ એન્ડ્રયુ કોર્બેટ પર ભેદભાવપૂર્ણ કામકાજનું વાતાવરણ સર્જવાનો આરોપ મૂક્યો હતો. બોસ્ટનમાં અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ૨૭ ફેબ્રુઆરીએ કરેલી ફરિયાદ અનુસાર બાલચંદ્રએ આરોપ મૂક્યો કે રિસર્ચના રેકોર્ડ છતાં તેમને રિસર્ચ કરવા અને અનેક અવસરોથી વંચિત રખાયા હતા.
બાલચંદ્રએ પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો કે બોબસનમાં શ્ર્વેત અને પુરુષોનો પક્ષ લેવાય છે અને તેમના જ માટે પુરસ્કાર અને વિશેષાધિકાર સુરક્ષિત રાખવામાં આવે છે. ફરિયાદ અનુસાર તેમના રિસર્ચ રેકોર્ડ, રુચિ વ્યક્ત કરવા અને કોલેજમાં સેવાઓ આપવા છતાં તેમને રિસર્ચ કરવા અને લખવા માટે વધુ સમય આપવાથી વંચિત રખાયા હતા. તેમાં કહેવાયું છે કે આ પ્રકારના વિશેષાધિકાર નિયમિત રીતે શ્ર્વેત પુરુષોને આપવામાં આવતા હતા.
બાલચંદ્રની વકીલ મોનિકા શાહે કહ્યું કે પ્રોફેસરે મેસાચ્યુસેટ્સ કમીશન અગેન્સ્ટ ડિસ્ક્રિમેનેશનમાં ભેદભાવનો કેસ દાખલ કર્યો છે. આ દરમિયાન બોબસન કોલેજે કહ્યું કે તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને કોલેજ પાસે ફરિયાદોની તપાસ સારી રીતે કરવા અને તેનો નિકાલ લાવવા માટે સ્થાપિત પ્રોટોકોલ અને સંસાધન છે.