અમેરિકાના કેન્ટુકીમાં ગોળીબારમાં ઘણા લોકોના મોત, પ્રશાસને લોકોને ઘરની અંદર રહેવા જણાવ્યું

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકી રહી નથી. હવે અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં ફાયરિંગમાં અનેક લોકોના મોત થયાના સમાચાર છે. આ ઘટના કેન્ટુકી રાજ્યના ગ્રામીણ વિસ્તાર લોરેલ કાઉન્ટીમાં બની હતી. લોરેલ કાઉન્ટીના પોલીસ અધિકારીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી શેર કરી છે અને પોલીસ પ્રશાસને ઘટનાને યાનમાં રાખીને લોકોને ઘરની અંદર રહેવાની સૂચના આપી છે.

પોલીસે જણાવ્યું કે લોરેલ કાઉન્ટીના આઇ-૭૫ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી અને ઘટના બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં ઘાયલ અને મૃતકોની સંખ્યા જાહેર કરી નથી, પરંતુ કહ્યું છે કે આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર શકમંદ હજુ સુધી પકડાયો નથી અને તે ફરાર છે. પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને લોકોને તે વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે.

તાજેતરમાં જ અમેરિકાના જ્યોજયામાં એક શાળામાં ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં છ લોકો ઘાયલ પણ થયા છે. જ્યોજયાની ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બિડેને ગન કંટ્રોલ કાયદાને મજબૂત કરવાની અપીલ કરી છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે અને આવી ઘટનાઓ દરરોજ પ્રકાશમાં આવતી રહે છે. નોંધનીય છે કે ગયા વર્ષે પણ કેન્ટુકી રાજ્યમાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં છ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા.