વોશિગ્ટન,
અમેરિકામાં બરફના તોફાનના કારણે ઓછામાં ઓછા ૩૪ લોકોના મોત થયા છે. ઘણી જગ્યાએ હિમવર્ષામાં ફસાયેલા લોકોના કારણે મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. વીજ પુરવઠો ખોરવાને કારણે ઘણા વિસ્તારોમાં ઘરો અને વ્યાપારી સંસ્થાઓની લાઈટો ગુલ થઈ ગઈ છે અને લાખો લોકોને અંધારામાં જીવવાનું જોખમ છે. ઘરો અને વાહનો પર બરફનો જાડો પડ પથરાઈ ગયો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને વીજ લાઈનોને પણ નુક્સાન થયું છે. વાવાઝોડાએ કેનેડા નજીકના ગ્રેટ લેક્સથી મેક્સિકોની સરહદે આવેલા રિયો ગ્રાન્ડે સુધીના વિશાળ વિસ્તારને અસર કરી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
નેશનલ વેધર સવસે જણાવ્યું હતું કે લગભગ ૬૦ ટકા યુ.એસ.ની વસ્તી હવામાન સલાહ અથવા ચેતવણી હેઠળ છે, અને રોકી પર્વતોની પૂર્વથી એપાલાચીયન સુધીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું થઈ ગયું છે. યુ.એસ.માં અધિકારીઓએ મૃત્યુનું કારણ તોફાનની પકડ, કાર અકસ્માત, વૃક્ષો પડી જવા અને તોફાનની અન્ય અસરોને આભારી છે. બફેલો વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે વાવાઝોડાને કારણે બફેલોમાં ઈમરજન્સી સેવાઓની કામગીરી પણ ઠપ થઈ ગઈ છે.
એરક્રાટની હિલચાલ પર નજર રાખતી વેબસાઈટ ‘લાઈટઅવેર’ અનુસાર, રવિવારના વહેલી સવાર સુધી લગભગ ૧,૩૪૬ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. ન્યૂયોર્કના બફેલોમાં તોફાને સૌથી વધુ તબાહી મચાવી છે. લોકો સુધી પહોંચવા માટે ઈમરજન્સી રિસ્પોન્સ વિભાગની કામગીરી પણ ખોરવાઈ ગઈ છે. બરફના જાડા પડને કારણે શહેરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બફેલો નાયગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે (સોમવાર) બંધ રહેશે અને બફેલોમાં દરેક ફાયર ટ્રક બરફમાં ફસાઈ ગઈ છે. રવિવારે સવારે ૭ વાગ્યે એરપોર્ટ પર ૪૩ ઈંચ બરફ પડ્યો હતો. એમ્બ્યુલન્સ પહોંચવામાં પણ વિલંબ થાય છે.
સવારે ૮ વાગ્યા સુધી ત્રણ લાખ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. નોર્થ કેરોલિનામાં ૬૬૦૦ ઘરોમાં વીજ પુરવઠો અટકી ગયો છે. વિદ્યુત વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આગામી કેટલાક દિવસો સુધી પુરવઠો પ્રભાવિત રહી શકે છે. ન્યુયોર્કના ચીકટોવાગામાં બે લોકોના મોત થયા છે. ઓહાયોમાં તોફાન સંબંધિત વિવિધ ઘટનાઓમાં ૧૦ લોકોના મોત થયા છે. ઓહાયોમાં રોડ પર એક જગ્યાએ લગભગ ૫૦ વાહનો અથડાયા હતા. તે જ સમયે, ન્યુયોર્કના એરી કાઉન્ટીમાં જુદા જુદા અકસ્માતોમાં સાત લોકોના મોત થયા હતા. મિઝોરી અને કેન્સાસમાં અલગ-અલગ સ્થળોએ ચાર લોકોના મોત થયા છે.