
વોશિગ્ટન,અમેરિકાના અલાસ્કાથી હેલિકોપ્ટર ક્રેશ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અલાસ્કામાં ટ્રેનિંગમાંથી પરત ફરતી વખતે અમેરિકન આર્મીના બે હેલિકોપ્ટર ક્રેશ થયા છે. આ વર્ષે અમેરિકામાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થવાની આ બીજી ઘટના છે. યુએસ આર્મી અલાસ્કાના પ્રવક્તા જોન પેનેલના જણાવ્યા અનુસાર, દરેક હેલિકોપ્ટરમાં બે લોકો સવાર હતા.
અમેરિકી સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને વધુ વિગતો ઉપલબ્ધ થતાં જ જાહેર કરવામાં આવશે. બીજી તરફ અલાસ્કા સ્ટેટ ટૂપર્સના પ્રવક્તા ઓસ્ટિન મેકડેનિયેલે પણ આ ઘટના અંગે વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો. જણાવી દઈએ કે અગાઉ ફેબ્રુઆરીમાં તાલક્તિનાથી ટેકઓફ કર્યા બાદ અપાચે હેલિકોપ્ટર ક્રેશ થતાં બે સૈનિકો ઘાયલ થયા હતા. ફોર્ટ વેઈનરાઈટથી એક્ધરેજમાં જોઈન્ટ બેઝ એલ્મેન્ડોર્ફ-રિચાર્ડસન સુધી મુસાફરી કરતા ચાર હેલિકોપ્ટરમાંથી તે એક હતું. જણાવી દઇએ કે, માર્ચની શરૂઆતમાં, કેન્ટુકીના ફોર્ટ કેમ્પબેલથી લગભગ ૩૦ માઇલ (૪૮ કિલોમીટર) ઉત્તરપૂર્વમાં નિયમિત રાત્રિ તાલીમ દરમિયાન બે યુએસ આર્મી બ્લેક હોક મેડિકલ ઇવેક્યુએશન હેલિકોપ્ટર ક્રેશ થતાં નવ સૈનિકો માર્યા ગયા હતા.
આજે જ્યાં બે યુએસ લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયાં તે સ્થળ હેલી ડેનાલી નેશનલ પાર્ક એન્ડ પ્રિઝર્વની ઉત્તરે લગભગ ૧૦ માઇલ (૧૬.૦૯ કિમી) દૂર અથવા એક્ધરેજની ઉત્તરે લગભગ ૨૫૦ માઇલ (૪૦૨ કિમી) દૂર સ્થિત છે. હેલી એ અલાસ્કાના આંતરિક ભાગમાં પાર્ક્સ હાઇવે પર સ્થિત આશરે ૧,૦૦૦ લોકોનો સમુદાય છે. તે લોકો માટે નજીકના ઉદ્યાનમાં રાત્રિ વિતાવવાનું પણ લોકપ્રિય સ્થળ છે, જે ખંડના સૌથી ઊંચા પર્વત ડેનાલીનું ઘર છે. હેલી એ બસની સૌથી નજીકનું શહેર હોવા માટે પણ પ્રખ્યાત છે જે બેકકાઉન્ટ્રીમાં છોડી દેવામાં આવ્યું હતું અને “ઇનટુ ધ વાઇલ્ડ” પુસ્તક અને તે જ નામની મૂવી દ્વારા લોકપ્રિય બની હતી. આ બસને પાછળથી સ્ક્રેપ કરીને ૨૦૨૦ માં ફેરબેંક્સમાં ખસેડવામાં આવી હતી.