નવીદિલ્હી, ભારતના અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે અમેરિકન વિદેશ મંત્રાલયે આ ડ્રોન બનાવતી કંપની જનરલ એટામિકને આ બાબતની સૂચના પણ આપી દીધી છે. આગામી ૨૪ કલાકની અંદર ૩ અબજ ડોલરના ડ્રોન સોદા અંગે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે. જે ભારત સરકારને પણ મોકલી દેવામાં આવશે.
ભારત સરકારે આ સોદા પર અત્યાર સુધી મૌન ધારણ કરેલુ છે પણ અમેરિકન સૂત્રોનુ કહેવુ છે કે, કોઈ પણ સમયે ૩૧ ડ્રોન માટેનુ જાહેરનામુ બાઈડન સરકાર દ્વારા પ્રસિધ કરી દેવામાં આવશે.
આ પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, અમેરિકામાં આશ્રય લઈ રહેલા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નૂની હત્યાના કાવતરામાં ભારતનો હાથ હોવાના કારણે અમેરિકન સંસદે આ ડીલ રોકી દીધી છે અને તેના કારણે બંને દેશોના સબંધોમાં તંગદિલી પણ જોવા મળી રહી હતી. ભારત અને અમેરિકાની દોસ્તી પર ઘણાએ સવાલો ઉઠાવવાના શરુ કરી દીધા હતા. જોકે હવે આ ડ્રોન ભારતને વેચવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.
એમક્યૂ૯ બી પ્રીડેટર ડ્રોન વધારે ઉંચાઈ પર લાંબા સમય સુધી ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે. આ ૩૧ પૈકી ૧૫ ડ્રોન ભારતીય નેવી તેમજ ૮-૮ ડ્રોન આર્મી તથા એરફોર્સને મળશે.
અમેરિકાનુ કહેવુ છે કે, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી આ ડ્રોન ડીલના કારણે વધારે મજબૂત બનશે. સાથે સાથે ભારતને લડાકુ વિમાનો માટે જીઈ કંપનીના એન્જિન આપવાની ડીલ પર પણ કામ થઈ રહ્યુ છે. જેને લઈને ભારતને અપડેટ કરવામાં આવ્યુ છે.
હાલમાં ભારતીય નૌસેનાએ અમેરિકાના એમક્યૂ૯ બી પ્રીડેટર ડ્રોન લીઝ પર લીધા છે. ભારતે ચીનને યાનમાં રાખીને આ ડ્રોન ખરીદવાનુ નક્કી કર્યુ છે. જેનો ઉપયોગ લદ્દાખ સરહદે ચીનની હિલચાલ પર નજર રાખવા માટે થશે.