ઇલિનોઇસ,અમેરિકાના ઇલિનોઇસ રાજ્યમાં સોમવારે ધૂળની ડમરી સાથે વાવાઝોડાના કારણે આંતરરાજ્ય હાઇવે પર અનેક વાહનો અથડાયા હતા. જેમાં ૨૦ કૉમર્શિયલ વાહનો અને ૬૦થી વધુ કારનો સમાવેશ થાય છે. ૬ લોકોના મોત થયા હતા.
ઇલિનોઇસ પોલીસના જણાવ્યા અનુસાર, ૩૦થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં ૨ વર્ષના બાળકોથી લઈને ૮૦ વર્ષના લોકોનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધી શકે છે. વાવાઝોડું ત્રાટક્યું તે સમયે ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું ત્રાટક્યા બાદ અનેક વાહનો એક બીજા પર ચઢી ગયા હતા.સેન્ટ લૂઇસની ઉત્તરે ૭૫ માઇલ (૧૨૦ કિમી) દૂર મોન્ટગોમરી કાઉન્ટીમાં બંને તરફનો હાઈવે બંધ થઈ ગયો હતો. જે મંગળવાર બપોર સુધી ખોલવામાં આવશે.
આ અકસ્માતની માહિતી સવારે ૧૧ વાગ્યે સામે આવી હતી. સેન્ટ લૂઈસ વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ધૂળની આંધી ખેતરોની માટી અને મજબૂત ઉત્તર-પશ્ર્ચિમ પવનોના સંયોજનથી સર્જાયું હતું. જેની ઝડપ ૭૦ કિમી પ્રતિ કલાક હતી. આ જ કારણ હતું કે વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને અનેક વાહનો અથડાયા હતા.
વાવાઝોડા પછી, ૨૫ વર્ષીય ઇવાન એન્ડરસને જણાવ્યું કે તે શિકાગોથી સેન્ટ લુઇસમાં તેના ઘરે જઈ રહ્યો હતો. પછી તેની કાર ધૂળ અને વાવાઝોડામાં ફસાઈ ગઈ અને ક્રેશ થઈ ગઈ. ઇવાને કહ્યું કે ઉડતી ધૂળમાં કશું જ દેખાતું નહોતું. કેટલાક લોકો કારની સ્પીડ ધીમી કરી રહ્યા હતા પરંતુ કઈ કાર ક્યાં પાર્ક કરી હતી તે દેખાતું ન હતું. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય હવામાન સેવાએ લગભગ ૧:૨૫ વાગ્યે ધૂળની આંધીની ચેતવણી જારી કરી હતી. વેધર સવસે ચેતવણીમાં કહ્યું હતું કે જે લોકોને શ્ર્વસન સંબંધી બીમારીઓ છે તેઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ સમય દરમિયાન મુસાફરી કરવી મુશ્કેલ બનશે અને જીવ પર જોખમી બની શકે છે.