ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ અમેરિકામાં વધુ એક ખાલિસ્તાની સમર્થકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સતિન્દર પાલ સિંહ રાજુ કેલિફોનયામાં પીકઅપમાં જઈ રહ્યા હતા, ત્યારે હથિયારો સાથે કેટલાક લોકોએ તેમના પર ગોળીબાર કર્યો.
જોકે, તે હુમલામાં બચી ગયો હતો. સતિન્દર પાલ સિંહ રાજુ હરદીપ સિંહ નિજ્જરની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. તે ગુરપતવંત પન્નુની સંસ્થા શીખ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલો છે અને થોડા દિવસો પહેલા ખાલિસ્તાન પર જનમત કરાવવામાં પણ સામેલ હતો.
આ હુમલાની માહિતી ખુદ ગુરપતવંત પન્નુએ આપી છે. ગુરપતવંત પન્નુએ જણાવ્યું કે, રાજુ ટ્રકમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે જીવલેણ હુમલામાં બચી ગયો હતો. શૂટરોએ એટલી બધી ગોળીઓ ચલાવી કે ટ્રકનો નાશ થયો. મીડિયા અહેવાલ મુજબ ગયા વર્ષે ૧૮ જૂને જ્યારે સરેમાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી, ત્યારે સતિન્દર પાલ સિંહ રાજુ ઓક્ટોબર સુધી તે શહેરમાં હાજર હતો. તે સમય દરમિયાન રાજુએ સરેમાં ૨૦૨૩ જનમત સંગ્રહ અને આ વર્ષે ૨૮ જુલાઈના રોજ આલ્બર્ટાના કેલગરીમાં યોજાયેલા જનમત સંગ્રહના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પન્નુએ ભારત સરકાર પર સતિન્દર પાલ સિંહ રાજુ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર ખાલિસ્તાન સમર્થકોને કચડી નાખવા માંગે છે, આ હેતુ માટે અમારા નેતાઓની હત્યા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમેરિકા સરકારે કોઈની ધરપકડ કરી નથી અને ન તો આ ઘટના પાછળ કોઈ કારણ આપ્યું છે. આ પહેલા ૧૦ ઓગસ્ટના રોજ ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પૂર્વ પ્રમુખ રઘબીર નિજ્જરના ઘરે પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, હરદીપ નિજ્જરની હત્યાના કારણે નવી દિલ્હી અને ઓટાવાના સંબંધો તંગ બની ગયા છે. ત્રણ મહિના બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ કેનેડાના સંસદમાં જણાવ્યું હતું કે, નિજ્જરની હત્યા ભારતીય એજન્ટો દ્વારા કરવામાં આવી હતી. જોકે, ભારતે આ આરોપને ફગાવી દીધો હતો અને તેને વાહિયાત ગણાવ્યો હતો. આ વર્ષે કેનેડાની એજન્સીઓએ નિજ્જરની હત્યામાં ચાર ભારતીયોની ધરપકડ કરી છે. જોકે, હજુ સુધી તેના ભારતીય એજન્ટો સાથે કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.