વોશિગ્ટન, અમેરિકાથી ફરી એકવાર હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે ઘૂસણખોરી મામલે પકડાયેલા એક ૫૭ વર્ષીય ભારતીયનું મોત નીપજતાં ખળભળાટ મચી ગયો છે. એટલાન્ટાની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. અત્યાર સુધીની માહિતી અનુસાર તેમને ફરી વતન ડિપોર્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી. ફેડરલ ઓથોરિટીએ આ માહિતી આપી હતી. મૃતકની ઓળખ ૫૭ વર્ષીય જસપાલ સિંહ તરીકે થઇ છે. જેના વિશે ન્યુયોર્કમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે માહિતી આપી હતી. અમેરિકાના ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગે જણાવ્યું કે પીડિતના પરિજનોને જાણ કરી દેવામાં આવી છે.
માહિતી અનુસાર જસપાલ સિંહનું મૃત્યુ ૧૫ એપ્રિલના રોજ થયું હતું. જોકે તેમના મૃત્યુનું કારણ જાણવા માટે ઓટોપ્સી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. સિંહ એક ભારતીય નાગરિક હતા અને તેઓ ૨૫ ઓક્ટોબર ૧૯૯૨માં અમેરિકા ગેરકાયદે રીતે આવ્યા હતા. ૨૧ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ ઈમિગ્રેશન જજે આદેશ આપ્યો હતો કે તેમને અમેરિકાથી તગેડી મૂકવામાં આવે. ત્યારબાદ તેઓ પાછા ભારત આવી ગયા હતા. પરંતુ ૨૯ જૂન ૨૦૨૩ના રોજ અમેરિકાના કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન પેટ્રોલ ઓફિસરે તેમને અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરતાં ફરી પકડી લીધા હતા. આ ઘટના અમેરિકા મેક્સિકોની બોર્ડર પર બની હતી.