લોસ એન્જેલસ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત અને એમાંય નવરાત્રી હોય એટલે ગુજરાતી ગરબા ના રમે એવું બને જ નહીં. ગુજરાતીઓ ભલે દેશ છોડીને વર્ષોથી વિદેશમાં વસતા હોય પણ પોતાની સંસ્કૃતિ સાથે તેઓ તાદામ્ય ધરાવતા જ રહે છે. હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. ગુજરાતની શેરીએ શેરીએ મા જગદંબાની આરાધના સાથે ગુજરાત ગરબાથી થનગને છે, ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા વિવિધ સ્થળે ગરબાના આયોજન થતા હોય છે. આવું જ એક આયોજન લોસ એન્જેલસમાં થયું હતું.
સેરીટોસ કોલેજ ફાઉન્ડેશન સોશિયલ ગરબા તથા ગુજરાતી સમાજ, લોસ એન્જેલસ દ્વારા ગરબાનું આયોજન થયું હતું. સુરત સહિત ગુજરાતના જાણીતા ગાયક રીધમ શાસ્ત્રી અને મોસમી શાહના કંઠે ગરબા ગવાયા હતા. જેમાં સુર તાલના સથવારે ગુજરાતી સમાજના લોકો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમાજના લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત એસેમ્બલીના સભ્ય સેરોન ક્વીક સેલવીયા તથા લેજિસ્લેટિવ સભ્ય વિશે મિશેલ સ્ટીલ પણ ખાસ હાજર રહ્યા હતા.
આ મહોત્સવમાં માત્ર ગરબા ઘૂમીને લોકો આનંદ માણે એવું રહ્યું નહોતું. વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓના વિજેતાઓને રિધમ શાસ્ત્રી, મોસમી શાહ તથા ઈન્ડિયન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન તથા લેબોન હોસ્પિટાલિટીના યોગી પટેલ, પરિમલ શાહ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનના અગ્રણી યોગી પટેલે જણાવ્યું હતું કે અહીંનો ગુજરાતી સમાજ ભારતના દરેક ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતો હોય છે. આ ઉજવણી દ્વારા ભક્તિ અને આરાધના તો કરવામાં આવે છે સાથે ભારતીય આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે અને એકબીજા વચ્ચે એક્તા જળવાય તે હેતુ માટે ખૂબ જ મહત્વના રહે છે.