અમેરિકામાં લોબિંગ કરતા ભાજપના સહયોગી-સંગઠન તપાસના ઘેરામાં આવ્યા

  • ભારતીયોમાં આ કાર્યવાહીને લઈને ગભરાટ છે.

વોશિંગ્ટન,

વડાપ્રધાન મોદીની સરકાર અને તેમની પાર્ટી ભાજપ માટે અમેરિકામાં કામ કરતા તેમના ભારતીય મૂળના મિત્રો, હિતૈષી અમેરિકી એજન્સીઓની તપાસના ઘેરામાં આવી ગયા છે. અનેક ભારતીય અમેરિકીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ છે. તેમાં મોદીના જૂના મિત્ર અને સમર્થક હોવાનો દાવો કરનાર એક વ્યક્તિ પણ સામેલ છે. તે મોદી અને તેમની કેબિનેટના સહયોગીઓ સાથે સંકળાયેલી ભારતીય મૂળના લોકોની રેલીઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

ખરેખર તો આ કાર્યવાહી ફોરેન એજન્ટ રજિસ્ટ્રેશન એક્ટ(FARA) હેઠળ કરાઈ રહી છે. આ કાયદા હેઠળ વિદેશી સરકાર કે એકમ માટે કામ કરતા અમેરિકીઓ અને તેમના સંગઠને વિદેશી એજન્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. જોકે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા વિભાગના પ્રવક્તાએ બે ભારતીય અમેરિકીઓની એફએઆરએ કાયદા હેઠળ તપાસની પુષ્ટી કે ખંડનથી ઈનકાર કરી દીધો છે. જ્યારે ભારતીયોમાં આ કાર્યવાહીને લઈને ગભરાટ છે. સંગઠનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અમુક લોકોએ કહ્યું કે તે હવે પોતાના કામને લઈને સતર્ક છે એફએઆરએ હેઠળ બે વર્ષમાં ભારતીય અમેરિકીઓનાં બે સંગઠનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

કાર્યવાહીના દબાણ હેઠળ જુલાઈમાં રજિસ્ટર થયેલા સંગઠન ઈથોસ ફાઉન્ડેશન(ભારતીય ફાઉન્ડેશન તરીકે ઓળખાતું) બીજું છે. ટેક્સાસ સ્થિત સંગઠને કહ્યું કે ભાજપના હૈદરાબાદ એકમ માટે તે કામ કરે છે. ભાજપ પ્રવક્તા કિશોર પોરેડ્ડી સાથે તે સંપર્કમાં છે. તેનો ઉદ્દેશ્ય એનઆરઆઈ સાથે સંવાદ સાધવાનો અને તેમને ભારતના સંબંધમાં રાજકીય રીતે જાગૃત કરવાનો છે. ઈથોસ ફાઉન્ડેશને કહ્યું કે તેનું કામ પોતાના અમેરિકામાં વસેલા ભારતીયોનો ભાજપમાં વિશ્ર્વાસ કેળવવામાં સહાય કરવાનો છે. અગાઉ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી-યુએસએએ ઓગસ્ટ ૨૦૨૦માં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેના ૩ પદાધિકારીઓનું પણ રજિસ્ટ્રેશન કરાવાયું જેમાં એક અડપા વી પ્રસાદ સંગઠનના ઉપાધ્યક્ષ છે.

સપ્ટેમ્બરમાં વિદેશમંત્રી એસ.જયશંકરના કાર્યક્રમમાં તે તેમની સાથે મંચ પર હાજર હતા. આ સંગઠને ખુદને ભાજપના પ્રતિનિધિ ગણાવ્યા છે. ભાજપના વિદેશ બાબતોના ઈન્ચાર્જ વિજય ચોથાઈવાલાને એ વ્યક્તિ તરીકે જણાવાઈ છે જેની સાથે તેનો સંપર્ક થાય છે. બંને સંગઠનોએ કહ્યું કે તે કોઈ પણ પ્રકારના ચાર્જ વિના ભાજપ માટે કામ કરે છે.

આઝાદીના અમૃત મહોત્સવની રેલીમાં બુલડોઝરનો ઉપયોગ કરવાના કારણે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી વિવાદમાં ઘેરાયું હતું. મુસ્લિમો અને આફ્રિકી અમેરિકીઓના હિમાયતીઓએ તેની ટીકા કરતાં કહ્યું હતું કે આ ભારતમાં લઘુમતીઓના દમનનું પ્રતીક છે. તેમણે અમેરિકામાં ભારતની જમણેરી રાજનીતિની પ્રવૃત્તિઓ વધારતા સીઆઈએ અને એફબીઆઈ દ્વારા તપાસની માગ કરી હતી.

અમેરિકામાં નાગરિકોના વિદેશી સરકારો અને એકમો માટે લોબિંગ કરવું કાયદેસર છે પણ તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ત્રિમાસિકના આધારે તેમની પ્રવૃત્તિઓ અને ફીની વિગતો જણાવવાની રહે છે. બીજીઆર ગવર્નમેન્ટ અફેર્સ ભારત સરકાર માટે લોબિંગ કરે છે. ઓક્ટોબર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ સુધી ૬ મહિનામાં તેણે ભારત સરકાર પાસેથી ૩ લાખ ડૉલર(આશરે ૨.૪ કરોડ રૂ.) ફી લીધી છે.