વોશિગ્ટન,
અમેરિકાના મરીલેન્ડમાં એક ચોંકાવનારી ઘટના બની. અહીં એક પ્લેન વીજળીના ટાવર સાથે અથડાયું અને તારોમાં ફસાઇ ગયું. આ દરમિયાન પ્લેનમાં બે લોકો હતા, જે ઘાયલ થયા. ઘટના બાદ વિસ્તારમાં લાઇટ ડૂલ થઇ ગઇ. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે એક પ્લેન વીજળીના તારોમાં અટકાયેલું છે. પ્લેનમાં રહેલા બંને વ્યક્તિઓને સુરક્ષિત બહાર નિકાળવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું. આ તસવીરમાં પ્લેન જમીનથી લગભગ ૧૦૦ ફૂટની ઊંચાઈએ તારાઓમાં અટવાયેલું જોવા મળે છે.
ઘટના મેરીલેન્ડ સ્ટેટના ગૈથર્સબર્થ શહેરમાં બની. એક ઓફિસર સ્કોટ ગોલ્ડસ્ટાઇને કહ્યું-રવિવાર એટલે કે ૨૭ નવેમ્બરે સાંજે આશરે ૫.૪૦ વાગે એક સિંગલ એન્જિન પ્લેન દુર્ઘટનાનું શિકાર થઇ ગયું. વિમાન ન્યૂયોર્કના વ્હાઇટ પ્લેન્સ વિસ્તારમાંથી ઊડ્યું હતું. થોડાક સમય બાદ તે મોન્ટગોમેરી કાઉન્ટી એરપાર્કમાં વીજળીના ટાવર સાથે અથડાઇ ગયું.
વિમાન યુટિલિટી કંપની પેપકોની ટ્રાન્સમિશન લાઈનમાં ફસાઈ ગયું હતું. કંપનીએ કહ્યું કે તેઓ જલ્દીથી વીજળી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે કહ્યું-અમને દુર્ઘટના પછી સૂચના મળી. પોલીસની ટીમ તરત જ દુર્ઘટના સ્થળે પહોંચી ગઇ. અમે જોયું કે એક પ્લેન જમીનથી આશરે ૧૦૦ ફૂટની ઊંચાઇએ તારોમાં ફસાયેલું છે. પ્લેનમાં વોશિંગ્ટનમાં રહેનાર ૬૫ વર્ષના પાઇલટ પૈટ્રિક મર્કલ અને લુઇસિયાનમાં રહેનાર પેસેન્જર ૬૬ વર્ષના વિલિયમ્સ સવાર હતા. બંનેને મામૂલી ઇજા થઇ છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં કહ્યું-સિંગલ એન્જિન વીજળીના ટાવર સાથે કેવી રીતે અથડાયું તેનાં કારણોની તપાસ ચાલી રહી છે. પ્લેન વીજળીના તાર સાથે અથડાયા પછી મોન્ટગોમરી કાઉન્ટીમાં પાવર સપ્લાયમાં અડચણ આવી ગઇ. અહીં આશરે ૯૦ હજાર ઘરોની વીજળી ડૂલ થઇ ગઇ.