અમેરિકામાં ગુજરાતી ભદ્રેશ પટેલ બન્યો એફબીઆઇનો મોસ્ટ વોન્ટેડ, પત્નીની હત્યા બાદ છે ફરાર

વોશિગ્ટન, અમેરિકાના મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા ૩૩ વર્ષીય ગુજરાતી ભદ્રેશ કુમાર પટેલને અમેરિકાની તપાસ એજન્સી FBI એ પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે. એપ્રિલ ૨૦૧૫માં મેરીલેન્ડમાં તેની પત્નીની હત્યા બાદ ભદ્રેશ ફરાર થઇ ગયો હતો. આ દંપતિ ૨૦૧૪ માં વિઝિટર વિઝા પર યુએસ ગયા હતા અને હેનોવર, મેરીલેન્ડમાં એક ડોનટ્સમાં શોપમાં કામ કરતા હતા.

જ્યારે ભદ્રેશની પત્ની પલકે ભારત પરત આવાની ઈચ્છા વ્યક્ત કરી જેને લઇ દંપતી વચ્ચે વારંવાર દલીલો અને તકરાર થતી જોવા મળી હતી, જેને આખરે ભયંકર ગુનાનું સ્વરૂપ લઇ લીધું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કેદ થયા જેમાં જોવા મળે છે કે, જ્યારે દંપતી રેક્સની પાછળ ગાયબ થતા પહેલા રસોડામાં કામ કરતું જોવા મળ્યું હતું. થોડીવાર પછી ભદ્રેશ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી ઉતાવળે પાછળથી બહાર આવ્યો અને જલ્દીથી સ્ટોરની બહાર નીકળી ગયો હતો. હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક ગ્રાહક, સ્ટોર પર આવ્યો, તેણે આ મામલે તરત જ પોલીસને જાણ કરી હતી.

ભદ્રેશ પટેલ પર ૨૫૦,૦૦૦ ડોલરનું ઈનામ પણ મૂક્યું છે. ભદ્રેશ એફબીઆઇની નજરમાં ખતરનાક ગુનેગારમાંનો એક છે. ૨૦૧૫ માં, તેણે હેનોવર મેરીલેન્ડમાં એક સ્વીટ શોપમાં તેની પત્નીને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી હતી. ભદ્રેશની પત્ની ભારત પરત ફરવા માંગતી હતી, આ જ બન્યું તેમના ઝઘડાનું કારણ. ૧૩ એપ્રિલ, ૨૦૧૫ના રોજ, મેરીલેન્ડની સ્થાનિક અદાલતે ભદ્રેશ વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. ભદ્રેશ પર કેનેડામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પણ આરોપ છે. હત્યા બાદ, ૧૩ એપ્રિલ, ૨૦૧૫ના રોજ મેરીલેન્ડની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એની અરુન્ડેલ કાઉન્ટી માટે સ્થાનિક ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ પછી તે ઘણી વખત ગેરકાયદે હવાઈ મુસાફરી કરતો રહ્યો. તેની સામે ગેરકાયદે મુસાફરી અને હથિયાર રાખવાના અનેક કેસ પણ નોંધાયેલા છે. અગાઉ તેને ૨૦૧૭માં પણ ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. હવે એફબીઆઇએ તેને ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યા બાદ ભારતની તપાસ એજન્સીઓ પણ તેને શોધવામાં મદદ કરશે.