અમેરિકામાં ઘૂસતી વખતે બોટ નદીમાં ઊંધી વળી ગઈ હતી:ચૌધરી પરિવારના ૪ સભ્યનાં મૃત્યુમાં સીઆઇડી ક્રાઇમની તપાસ

અમદાવાદ,કેનેડાથી બોટમાં અમેરિકા જઈ રહેલા મહેસાણાના માણેકપુરા ગામના ચૌધરી પરિવારના ૪ સભ્યોના સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોત નીપજયાં હોવાની ઘટનામાં સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમની ટીમ માણેકપુરા ગઈ હતી અને આ પરિવારના સગાં – સંબંધી તેમજ મિત્ર વર્તુળની પૂછપરછ કરી હતી.

જો કે પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતુ કે આ પરિવારના ચારેય સભ્યો કેનેડાના ટુરિસ્ટ વિઝાના આધારે ૨ મહિના માટે ફરવા ગયા હતા. જેથી તેમણે વિઝા કયા એજન્ટ મારફતે કરાવ્યા હતા અને કેટલા પૈસા ચૂકવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના પ્રવીણ ચૌધરી, પત્ની દક્ષાબહેન દીકરી વિધી અને દીકરા મિત સાથે કેનેડા ફરવા ગયા હતા. અમેરિકા અને કેનેડાની વચ્ચે આવેલી સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલ્ટી જતાં ચારેયના મોત નીપજયા હતા. આ સમાચાર કુટુંબના સભ્યોને સોશિયલ મીડિયાથી મળ્યા હતા. આ ઘટનામાં કેેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં આવી રહી હોવાની શંકાના આધારે સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમના વડા આર.બી.બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, ડીવાયએસપી આર.પી.ધરસંડિયાને આ કેસની તપાસ સોંપવામાં આવી છે.

ડીવાયએસપી ધરસંડિયાએ માણેકપુરા ગામે પહોંચી મૃતકના પરિવારના અન્ય સભ્યો, મિત્રો તેમજ ગામના લોકોની પૂછપરછ કરી હતી. જો કે હાલમાં તો તમામ લોકોને એક જ સૂર હતો કે પ્રવીણ ચૌધરી પરિવારના સભ્યો સાથે કેનેડા ટુરિસ્ટ વિઝા ઉપર ફરવા ગયા હતા. જેથી પ્રવીણભાઈએ કયા એજન્ટ મારફતે વિઝાની પ્રોસેસ કરી હતી અને કેટલા પૈસા ચૂકવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે, ૧ વર્ષમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં ત્રણ પરિવારના ૯ સભ્યોના મોત નીપજ્યા હતા.

પ્રવીણભાઈએ કયા એજન્ટ મારફતે કેનેડાની ફાઈલ મુકી હતી. તેની તપાસ કરવા માટે સીઆઈડી ક્રાઈમની ટીમ ગામમાં ગઈ હતી. પરંતુ ગામના લોકો કે પ્રવીણભાઈના નજીકના સગા સબંધી આ વિશે કશું જાણતા નથી. જેથી પોલીસે મહેસાણાના જિલ્લામાં કેનેડાના ટુરિસ્ટ વિઝા અપાવવાનું કામ કરતા એજન્ટ અને ટુર ઓપરેટરોની તપાસ શરુ કરી છે.

પોલીસનું કહેવું છે કે પ્રવિણભાઈ ચૌધરી તેમના પત્ની અને બે સંતાનના સેન્ટ લોરેન્સ નદીમાં ડુબી જવાથી મૃત્યુ થયા હોવાના સમાચાર ૩- ૪ દિવસ પહેલા જ લોકોને મળી ગયા હતા. તેમ છતાં પ્રવીણભાઈના વિઝાની પ્રક્રિયા કરનાર એજન્ટ કે ટુર ઓપરેટર હજુ સુધી સામેથી પોલીસ પાસે આવ્યા નથી. જેથી આ કિસ્સામાં પણ કંઈક ખોટું થયું હોવાની શંકા પોલીસે નકારી નથી. પોલીસને જાણવા મળ્યું હતુ કે પ્રવિણભાઈ, પત્ની અને બે સંતાન સાથે ૩ ફેબ્રુઆરીએ કેનેડા જવા નીકળ્યા હતા. તેઓ કેનેડા ગયા ત્યારે ગામના લોકોને કહીને ગયા હતા કે તેઓ માત્ર કેનેડા ફરવા માટે જઈ રહ્યા છે અને તેઓ ૨ મહિનામાં જ ફરીને પાછા આવી જશે.