અમેરિકામાં ચીન પર મુસાફરી પ્રતિબંધ લાદવાની તૈયારી ?

વોશિગ્ટન, ચીનમાં બાળકોમાં શ્ર્વાસની અજાણી બીમારી અને ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે. આ અંગે સમગ્ર વિશ્ર્વમાં ચિંતાના અવાજો ઉઠવા લાગ્યા છે. હવે અમેરિકાના પાંચ સાંસદોએ ચીન પર ટ્રાવેલ પ્રતિબંધની માંગ કરી છે. વાસ્તવમાં રિપબ્લિકન સાંસદ માર્કો રૂબિયોના નેતૃત્વમાં પાંચ સાંસદોએ રાષ્ટ્રપતિ જો બિડેનને પત્ર લખ્યો છે.

આ પત્રમાં સાંસદોએ માંગણી કરી છે કે ’જ્યાં સુધી અમે આ નવા રોગના જોખમો વિશે વધુ માહિતી એકત્ર નહીં કરીએ ત્યાં સુધી અમે અમેરિકા અને ચીન વચ્ચેની મુસાફરી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.’ તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ચીનને અપીલ કરી છે કે તે ચીનના બાળકોમાં ફેલાઈ રહેલી આ નવી રહસ્યમય બીમારી વિશે વધુ માહિતી શેર કરે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એમ પણ કહ્યું કે ચીનમાં નવો રહસ્યમય રોગ એટલો પ્રચલિત નથી જેટલો કોરોના મહામારીની શરૂઆતમાં જોવા મળ્યો હતો. ઉપરાંત, ચેપગ્રસ્ત લોકોમાં કોઈ નવા અથવા અસામાન્ય વાયરસ અથવા બેક્ટેરિયા મળ્યા નથી.

તાઇવાનની સરકારે વૃદ્ધો અને નબળા રોગપ્રતિકારક શક્તિવાળા બાળકોને ચીનની મુસાફરી ટાળવા માટે સલાહ આપી. તાઈવાન સરકારે કહ્યું છે કે જો મુસાફરી કરવી જરૂરી હોય તો પહેલા ફલૂ અને કોરોનાની રસી લીધા પછી જ ચીનનો પ્રવાસ કરો. તમને જણાવી દઈએ કે તાજેતરના મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીમાંથી હજુ પણ સ્વસ્થ થઈ રહેલા ચીનમાં બીજી એક રહસ્યમય બીમારીને કારણે મોટી સંખ્યામાં બાળકો બીમાર પડી રહ્યા છે. ચીનના બેઇજિંગ અને લિયાઓનિંગ પ્રાંતમાં મોટી સંખ્યામાં બાળકો આ રહસ્યમય ન્યુમોનિયાથી પ્રભાવિત થયા હતા. જેના કારણે ચીનમાં ઘણી જગ્યાએ શાળાઓ બંધ કરવામાં આવી હતી. આ રોગમાં બાળકોને તાવ અને ફેફસામાં ઇન્ફેક્શન થાય છે. જો કે આ રોગથી પીડિત બાળકોમાં ઉધરસના કોઈ લક્ષણો નથી.