વોશિંગ્ટન,અમેરિકાના ઓહાયોમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ આરોપીને શોધી રહી છે. હાલ હુમલાનું કારણ બહાર આવ્યું નથી. પોલીસનું કહેવું છે કે આ મામલો ચોરી સાથે સંબંધિત હોઈ શકે છે.
આંધ્રપ્રદેશના એલુરુનો રહેવાસી ૨૪ વર્ષીય સાઈશ વીરા અભ્યાસની સાથે ગેસ સ્ટેશન પર કામ કરતો હતો. અહીં જ તેને ગોળી વાગી હતી. સાઈશ નવેમ્બર ૨૦૨૧માં અમેરિકા આવ્યો હતો. તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન ૧૦ દિવસ પછી પૂરું થવાનું હતું.
સાઈશ વીરાના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. તે પોતાના પરિવારની આથક જરૂરિયાતો પૂરી કરવા અભ્યાસની સાથે નોકરી પણ કરતો હતો.
પોલીસે જણાવ્યું કે આ ઘટના ૨૦ એપ્રિલે ઓહાયોના કોલંબસ શહેરમાં બની હતી. એક અધિકારીએ કહ્યું- અમને બપોરે ૧૨:૫૦ વાગ્યે (સ્થાનિક સમય અનુસાર) સમાચાર મળ્યા કે એક ગેસ સ્ટેશન પર ગોળીબાર થયો છે. જ્યારે તે સ્થળ પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ૨૪ વર્ષીય ભારતીય જમીન પર પડ્યો હતો. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના શરીર પર ગોળીઓના નિશાન હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ અડધા કલાક પછી લગભગ ૧:૨૭ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.
પોલીસે જણાવ્યું કે હુમલાખોર ગોળી મારીને ભાગી ગયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું- અમે આરોપીને શોધી રહ્યા છીએ. અમે સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તેને શોધી રહ્યા છીએ. હાલમાં અમારી પાસે તેના વિશે કોઈ માહિતી નથી. પરંતુ અમને લાગે છે કે તે તાજેતરની ઘરફોડ ચોરીમાં શંકાસ્પદ હોઈ શકે છે. અથવા એવું બની શકે કે આ હુમલો પરસ્પર વિવાદને કારણે થયો હોય. અમે કંઈ કહી શક્તા નથી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીની તસવીર પણ જાહેર કરી છે.
સાઈશ વીરા આઈટીનો અભ્યાસ કરવા અમેરિકા ગયો હતો. સરકારે તેમને એચ-૧ ૧બી વિઝા આપ્યા હતા. તે સામાન્ય રીતે એવા લોકોને જાહેર કરવામાં આવે છે જેઓ કોઈ ચોક્કસ વ્યવસાય સાથે સંકળાયેલા હોય (જેમ કે આઈટી પ્રોફેશનલ, આકટેક્ચર, હેલ્થ પ્રોફેશનલ વગેરે). જે પ્રોફેશનલ્સને નોકરીની ઓફર મળે છે અથવા યુએસમાં અભ્યાસ માટે પસંદ કરવામાં આવે છે તેઓને આ વિઝા ત્યારે જ આપવામાં આવે છે.