
અમેરિકામાંથી ગેરકાયદેસર રીતે કેશ ડોલર પીકઅપ કરીને તેને હવાલા દ્વારા આંગડિયા પેઢીમાં ભારતમાં મોકલવાના મોટા કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આણંદમાં રહેતા એક યુવકને અમેરિકાથી આવતા ડોલરને હવાલા દ્વારા ભારતમાં રોકડમાં મેળવવા માટેની નોકરી પર રાખવામાં આવ્યો હતો. પરંતુ, અમેરિકામાં રહેતા યુવકે આશરે ૧.૪૦ લાખ ડોલર હવાલા દ્વારા નાણાં ભારતમાં મોકલ્યા નહોતા.
જેથી આણંદ અને અમદાવાદમાં રહેતા નવ જેટલા શખ્સોએ આણંદના યુવક અને તેના મિત્રનું અપહરણ કરીને દોઢ લાખ ડોલરની વસૂલાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે આણંદ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.આણંદમાં લાંભવેલ રોડ પર આવેલા અક્ષર એવન્યુમાં રહેતા ૨૨ વર્ષીય ક્રિષ્ણાપાલ રાજપુરોહિતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે આશરે ચાર વર્ષ પહેલા તેને જયમીન રબારી (રહે. બોરસદ, પામોલ) સાથે પરિચય થયો હતો.
ત્યારબાદ તે નિયમિત રીતે બોરસદ ચાર રસ્તા પાસેની ઓફિસ પર મળતો હતો. આજથી બાર દિવસ પહેલા જયમીન રબારીએ તેને જણાવ્યું હતું કે તેમનો અમેરિકા ખાતે બિઝનેસ ચાલે છે. ત્યાંની દરરોજની અપડેટ આપવાની એક નોકરી છે. જેમાં મોબાઇલ પર આવતા મેસેજને અમેરિકામાં કામ કરતા માણસને મોકલીને ત્યાં કેશ ડોલર પીકઅપ કરવાનું રહેશે. જેથી ક્રિષ્ણાપાલે આ નોકરી માટે હા કહી હતી. પરંતુ, જયમીને જણાવ્યું હતું કે ડોલર પીકઅપ માટે અમેરિકામાં રહેતા સ્થાનિક વ્યક્તિની મદદ લેવાની રહેશે. જેથી ક્રિષ્ણાપાલે તેના સમીર નામના મિત્ર દ્વારા અમેરિકામાં જોર્ડન નામના યુવકને સંપર્ક કર્યો હતો.
જેમાં તેને ડોલર પીકઅપ બાદ ચોક્કસ કમિશન કાપીને નાણાં ભારત મોકલવાના હતા. જેથી જોર્ડને અમેરિકાનો વોટ્સએપ નંબર આપ્યો હતો. તે પછી ક્રિષ્ણાપાલને વોટ્સએપ પર ૫૦ હજાર ડોલર પીકઅપ કરવા માટે જીપ કોડ મળ્યો હતો. જે જોર્ડનને મોકલી આપ્યો હતો. જે દુર હોવાથી જોર્ડને અન્યની મદદથી ડોલક પીકઅપ કરાવ્યા હતા. જ ે નાણાં હવાલા દ્વારા ભારતમાં સપ્લાય કરવાના હતા. જેના માટે ૨૦ રૂપિયાની નોટ કોડ રૂપે મોકલી હતી. જે નાણાં ચાંદખેડા સુયોગ કોમ્પ્લેક્ષમાં આવેલા શ્રીજી આંગડિયામાં આવવાના હતા.
પરંતુ, જોર્ડને જણાવ્યું હતું કે સર્વર સ્લો છે. જેથી નાણાં મળતા વાર લાગશે. બીજી તરફ ક્રિષ્ણાપાલને મિહિર દેસાઇ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેણે નાણાં અંગે પૂછપરછ કરી હતી. આ દિવસે જ બીજા એક લાખ ડોલર પીકઅપ કરવાનો મેસેજ જોર્ડનને મોકલ્યો હતો. જે તેણે પીકઅપ કરી લીધા હતા અને તેણે ક્રિષ્ણાપાલનો અમેરિકાનો વોટ્સએપ નંબર બંધ કરાવી દીધો હતો. તે પછી ગત ૪ ઓગસ્ટના રોજ જયમીન રબારીએ તેને આણંદ એલીકોન ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો અને તેનું અપહરણ કરીને ધમકી આપી હતી કે તુ મારા પૈસા પડાવવા માટે નીકળ્યો છે. તારા પિતાની જમીન અને મકાન વેચાવીને નાણાં વસુલ કરીશ.
આ દરમિયાન મિહીર રબારી નામનો યુવક એક કારમાં આવ્યો હતો. તેણે ક્રિષ્ણાપાલને માર મારીને સમીરને બોલાવવા માટે કોલ કર્યો હતો. જે બાદ તેમના માણસોની મદદથી બંનેને માર મારી નાણાંની માંગણી કરી હતી. જેથી ડરીને સમીરે ૫૦ હજાર ડોલરની જવાબદારી લીધી હતી. પરંતુ, બીજા એક લાખ ડોલરની માંગણી ક્રિષ્ણાપાલ પાસે ચાલુ રાખી હતી. સાથેસાથે ધમકી આપી હતી કે જો નાણાં નહી આપે તો જાનથી મારી નાખીશુ. જે બાદ સવારે તેને છોડી મુક્યો હતો.