અમેરિકા જવા નીકળેલા નવ ગુજરાતીઓ ફ્રાંસની જેલમાં બંધ હોવાનો દાવો, એજન્ટની ધરપકડ

અમદાવાદ, મહેસાણાના હેડુવાથી નવ યુવક જાન્યુઆરી ૨૦૨૩માં અમેરિકા જવા નીકળ્યા હતા. મહિનાઓથી ગુમ થયેલા નવ ગુજરાતીઓ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. એસઓજી પોલીસે શૈલેષ પટેલ નામના એજન્ટની ધરપકડ કરી છે. આ એજન્ટે દાવો કર્યો છે કે, મહેસાણાના ૪ વ્યક્તિઓ સહિત ૯ લોકો ફ્રાન્સની હદમાં આવેલા સેન્ટ માટ્સની જેલ હોવાનું જણાવી રહ્યો છે. આ માહિતીને તપાસ કરવા માટે SOG પોલીસે ક્રાઈમ મારફતે ફ્રાન્સ એમ્બેસીની મદદ માંગી છે. ફ્રાન્સની જેલમાં છેલ્લા સાતથી આઠ મહિનામાં કોઈ ભારતીયની ધરપકડ કરાઈ છે કે નહિ તે અંગેની વિગતો માંગવામાં આવી છે.

નોંધનીય છે કે, મીડિયા રિપોર્ટ પ્રમાણે, ૯ ફેબ્રુઆરીના રોજ ગ્વાડલુપની સરકારે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના મેરિટાઈમ રેસ્ક્યુ કોડનેશન સેન્ટરને એવી માહિતી આપી હતી. તેમની હદમાંથી ૦૪ ફેબ્રુઆરીના રોજ નવ ગુજરાતીઓને દરિયામાંથી રેસ્કયુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે હજુ ભૂગર્ભમાં છે. પોલીસ પ્રમાણે હાલ આની શોધખોળ ચાલી રહી છે.

આ પહેલા પણ મીડિયામાં ચર્ચાયુ હતુ કે, આ તમામ લોકો બોટમાં ડોમિનિકા કે પછી એન્ટિગુઆથી અમેરિકાના વજન આયલેન્ડ્સ જવા માટે નીકળ્યા હતા. તે વખતે આ લોકો વજન આયલેન્ડ્સ તરફ જવાને બદલે ગ્વાડલુપની હદમાં પહોંચી ગયા હોવાનો દાવો કરાયો હતો. ત્યાં સ્થાનિક પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

આ ગુમ લોકો અંગે મીડિયામાંં છપાયેલા અહેવાલ પ્રમાણે ગુજરાત હાઇકોર્ટના વકીલ યતિન ઓઝા મારફતે ગ્વાડલુપના એટર્નીનો પણ સંપર્ક કર્યો છે. જે અંગે યતિન ઓઝાએ કહ્યું હતું કે, તમામ નવ લોકો ગ્વાડલુપની જેલમાં બંધ છે અને તેમને ત્યાંથી છોડાવવાના પ્રયાસ ચાલુ છે.

આ અંગે પોલીસ દ્વારા વધુ એજન્ટોના નામ જાહેર કરાયા હતા જે અમેરિકા રહે છે. ધવલ પટેલ અને વિજય પટેલ નવ લોકોને લેવા જવાના હતા. સાબરકાંઠા પોલીસે કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે સંકલન કરીને ધવલ અને વિજય સામે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે હજુ ભૂગર્ભમાં છે. પોલીસ પ્રમાણે હાલ આની શોધખોળ ચાલી રહી છે. ૭૫ લાખ રૂપિયામાં વર્ક પરમિટ પર અમેરિકા લઈ જવાની વાતો કરનાર દિવ્યેશ ઉર્ફે જાની મનોજકુમાર પટેલ અને મહેન્દ્ર ઉર્ફે એમડી બળદેવભાઈ પટેલ નામના એજન્ટ સામે વધુ એક ફરિયાદ મહેસાણામાં નોંધાવાઇ હતી. મૂળ ડિંગુચાના અને અમદાવાદના રાણીપમાં રહેતા એમડી પટેલ, મહેસાણાના શૈલેષ પટેલ અને નગલપુરના દિવ્યેશ ઉર્ફે જોની પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.

૨૯ વર્ષનો મહેસાણાનો સુધીર પટેલ નામનો યુવક કે જે હોટલના બિઝનેસ સાથે સંકળાયેલો હતો તેનો સંપર્ક દિવ્યેશ ઉર્ફે જોની પટેલ સાથે થયો હતો અને તે પછી વર્ક પરમીટ પર અમેરિકા મોકલવાની વાતો થઈ હતી. પોતાના જ સમાજના એજન્ટ હોવાથી અમેરિકા જવાની વાત આગળ વધી અને આખરે ૭ મહિના પહેલા અમેરિકા જવા નીકળેલા સુધીરનો કોઈ પત્તો નથી. આ અંગે સુધીરના ભાઈએ મહેસાણામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.