અમેરિકાએ ચીની ઉત્પાદનો પર ટેરિફ લાદતા બંને દેશો વચ્ચે તણાવ

વોશિંગ્ટન, વૈશ્ર્વિક વેપારના પરિબળો માટે નોંધપાત્ર અસર સાથેના એક વ્યૂહાત્મક પગલામાં બાઈડેન પ્રશાસને વિવિધ ચીની ઉત્પાદનો પર નવા ટેરિફ લાદવાના તેના ઈરાદાની જાહેરાત કરી હતી. આ ચીની ઉત્પાદનોમાં ઈવી, સોલાર બેટરીઓ, એડવાન્સ્ડ બેટરીઓ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને મેડિકલ ઉપકરણો સામેલ છે. પ્રમુખ બાઈડેન અને તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તીવ્ર સ્પર્ધા વચ્ચે કરાયેલી આ જાહેરાત વિશ્ર્વની બે સૌથી મોટી આથક સત્તા વચ્ચે વધી રહેલા સંઘર્ષને ઉજાગર કરે છે.

આગામી ત્રણ વર્ષ દરમ્યાન લાદવામાં આવનાર ટેરિફનો હેતુ અયોગ્ય વેપાર પ્રથા વિશે ચિંતા દૂર કરવાનો અને સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરવાનો છે. પ્રશાસકીય અધિકારીઓ દ્વારા આ ટેરિફથી મોંઘવારી નહિ વધે તેવી ખાતરી છતાં બેઈજિંગ દ્વારા સંભવિતપણે લેવામાં આવનાર બદલાના પગલાને કારણે ચીન સાથે તણાવ વધવાની શક્યતા જોવાઈ રહી છે.

અમેરિકાને સૌથી વધુ ચિંતા ઓછી કિંમતના ચીની ઈવી વિશે છે જે સરકારી સબ્સિડીને કારણે અમેરિકાના મારકેટ પર કબજો જમાવી રહ્યા છે. ટેરિફને કારણે આવી આયાતમાં ઘટાડો થશે અને અમેરિકી કામદારો તેમજ ઉદ્યોગોને રક્ષણ મળશે. અમેરિકી પ્રશાસને ઊભરતા ટેકનોલોજી બજારો પર પ્રભુત્વ જમાવવાના બેઈજિંગના પ્રયાસોનો સામનો કરવા આવા ટેરિફને મહત્વના ગણાવ્યા હતા. તેમણે આ પગલાને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે મહત્વનું ગણાવ્યું હતું.

ટેરિફનો અમલ કરવાનો નિર્ણય ચીન સાથે વેપાર સંબંધોની વ્યાપક સમીક્ષામાંથી ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે. આ પગલું સરકારને અયોગ્ય વેપાર પ્રથાનો અસરકારક સામનો કરવાની સત્તા આપે છે. જો કે વિવેચકોના મતે ટેરિફ મહત્વના હોવા છતાં તેની અસર મર્યાદિત જ રહેવાની અને અમુક જ ચીની ઉત્પાદનો પર અસર કરશે.

બીજી તરફ ચીની સરકારે તાત્કાલિક અમેરિકી પગલાની ટીકા કરતા તેને આંતરરાષ્ટ્રીય વેપાર ધોરણોથી વિરુદ્ધ હોવાનું ગણાવ્યું હતું. ચીને સ્પષ્ટતા કરી હતી કે ઈવી અને સોલાર સેલમાં તેમના વેપારની વૃદ્ધિ સબ્સિડીને કારણે નહિ પણ નવા સંશોધનોને કારણે થઈ હતી.

ચીનનું અર્થતંત્ર રિયલ એસ્ટેટ મારકેટના ધબડકા અને અગાઉ કોવિડને કારણે મંદ પડયું છે ત્યારે ચીની પ્રમુખે નિકાસ વધારવા ઈવી અને અન્ય વસ્તુઓનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો હતો.