ટોકયો,તાજેતરમાં, જાપાન સરકારે નિષ્ક્રિય ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કર્યા પછી છોડેલું પાણી દરિયામાં છોડ્યું હતું. તેને જોતા ચીનની સરકારે જાપાનીઝ સી ફૂડ પર પ્રતિબંધ લગાવી દીધો. ચીનના આ પગલાથી જાપાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી. હવે જાપાનને આ સમસ્યામાંથી બહાર કાઢવા માટે તેનો શ્રેષ્ઠ મિત્ર અમેરિકા આગળ આવ્યો છે. અમેરિકાએ આ પ્રદેશમાં પોતાની સેનાને સપ્લાય કરવા માટે જાપાનીઝ સીફૂડની જથ્થાબંધ ખરીદી શરૂ કરી છે.
આ પહેલનો ખુલાસો કરતા જાપાનમાં અમેરિકી રાજદૂત રેહમ ઈમેન્યુઅલે ચીનના પગલાને આર્થિક યુદ્ધ ગણાવ્યું અને કહ્યું કે વોશિંગ્ટને એ પણ વધુ વ્યાપક રીતે વિચારવું જોઈએ કે શું તે ચીન પર પ્રતિબંધો લાદી શકે છે. ચીન હંમેશા જાપાનીઝ સીફૂડનું સૌથી મોટું ખરીદનાર રહ્યું છે. જાપાનીઝ સી ફૂડ પર પ્રતિબંધ મૂક્તી વખતે ચીને કહ્યું કે ખાદ્ય સુરક્ષાના ડરથી તેમણે આ પગલું ભર્યું છે.
યુએન ન્યુક્લિયર વોચડોગે ૨૦૧૧ની સુનામી દ્વારા નાશ પામેલા પ્લાન્ટમાંથી ઓગસ્ટમાં કાઢવામાં આવેલા પાણીની સલામતીની ખાતરી આપી હતી.જી૭ વેપાર પ્રધાનોએ રવિવારે જાપાનીઝ ખાદ્યપદાર્થો પરના પ્રતિબંધને તાત્કાલિક રદ કરવાની હાકલ કરી હતી. અહીં જાપાનમાં યુએસ સશસ્ત્ર દળો અને મત્સ્યઉદ્યોગ અને સહકારી સંસ્થાઓ વચ્ચે આ લાંબા ગાળાનો કરાર હશે, ઇમેન્યુઅલે કહ્યું. તેમણે કહ્યું, તમામ કેસોમાં, ચીનની આર્થિક જબરદસ્તીનો અંત લાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ લક્ષિત દેશ અથવા ઉદ્યોગને મદદ કરવાનો છે.
પ્રેસ કોન્ફરન્સમાં ઇમેન્યુઅલની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, રાજદ્વારીઓની જવાબદારી અન્ય દેશો પર કાદવ ઉછાળવા અને મુશ્કેલી ઊભી કરવાને બદલે દેશો વચ્ચે મિત્રતાને પ્રોત્સાહન આપવાની છે.